ફરી લાખો રૂપિયાના કેફી દ્રવ્ય સાથે એક ઝડપાયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : નાલાસોપારામાંથી મુંબઈ પોલીસની એન્ટિ નાર્કોટિકસ સેલની ટીમે રૂ.1,400 કરોડનું 702 કિલોનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. નાલાસોપારામાંથી ભારે માત્રામાં ડ્રગ્સ જપ્ત થયા બાદ સંપૂર્ણ નાલાસોપારા શહેર ડ્રગ્સ ડેસ્ટિનેશન બની ગયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ અંગે સત્તાવાળાઓ શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે એવો પ્રશ્ન પૂછાઇ રહ્યો છે.
બીજીતરફ નાલાસોપારામાં આજે સાંજે પ્રગતિ નગરમાં લાખો રૂપિયાનું કૈફી દ્રવ્ય પકડી પાડવામાં આવ્યું છે. ત્રણ શકમંદોમાંથી બિરજુ ઠાકુર (40) નામના ફેરિયાને અટક કરવામાં આવી હોવાનું કહેવાય છે. બે શકમંદોને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
સેંકડો નાઇજેરિયનો અહીં ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે અને ખુલ્લેઆમ ચરસ, ગાંજો, એમડી પાઉડર સહિત અન્ય ડ્રગ્સનો વ્યવસાય બેધડક અને નીડર રીતે કરી રહ્યા છે. પ્રગતિ નગર, ચક્રધર નગર અને હનુમાન નગરમાં નાઇજેરિયનોનો વસવાટ વધી રહ્યો હોવાથી અહીં ડ્રગ્સના ધંધાને પગલે સ્થાનિકોને રહેવું મુશ્કેલ બની ગયું છે. નાઇજેરિયનો અહીં બનાવટી આધાર કાર્ડ, પેનકાર્ડ તેમ જ ભારતીય પાસપોર્ટ બનાવીને રહે છે. નાલાસોપારા (પૂર્વ)ના પ્રગતિ નગર અને હનુમાન નગરમાં નાઇજેરિયનોનો વસવાટ વધી રહ્યો છે. અહીં અનેક તડીપાર ગુંડાઓનો પણ તેમને સાથ સહકાર મળી રજ્યો છે. વિરાર, વસઇ, ભાયંદર અને મીરા રોડમાં ઓછા ભાવે ઘર મળતા હોવાથી નાઇજેરિયન નાગરિકો ડ્રગ્સ સાથે અૉનલાઇન છેતરપિંડીના રેકેટમાં પણ સક્રિય છે. તેમ જ વીઝા પૂર્ણ થયા છતાં અહીં જ રહે છે. આ વિદેશી નાગરિકોને વહેલી તકે અહીંથી તેમના વતન રવાના કરવાની સ્થાનિકો વારંવાર માગણી કરી રહ્યા છે.
નાઇજેરિયનોએ બનાવટી આધાર, પેન કાર્ડ બનાવ્યા
નાલાસોપારા, વસઇમાં ગેરકાયદે રહેતા કેટલાક નાઇજેરિયન નાગરિકોએ પોતાના પેનકાર્ડ, આધાર કાર્ડ, રૅશન કાર્ડ, વોટર કાર્ડ પણ બનાવી લીધા છે. તેઓએ પોતે ભારતીય હોવાના તમામ દસ્તાવેજો તૈયાર કરી નાખ્યા છે અને તેનો દુરુપયોગ થઇ રહ્યો છે. ડ્રગ્સના વેપારમાં મોટાપાયે સામેલ વિદેશી નાગરિકોને ભારતીય હોવાના દસ્તાવેજો કોણે બનાવી આપ્યા તે તપાસનો વિષય છે. આ લોકો મોટી ગૅંગ સાથે સક્રિય હોવાની શંકા પોલીસે વ્યકત કરી હતી.
Published on: Sat, 06 Aug 2022
નાલાસોપારાને ડ્રગ ડેસ્ટિનેશન બનાવનારાઓ પ્રત્યે આંખ મીચામણાં?
