આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન, મોડી સાંજે પરિણામ

આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન, મોડી સાંજે પરિણામ
વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા સામે એનડીએના જગદીપ ધનખડની જીત નક્કી 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 5 : આવતી કાલે શનિવારે ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન યોજાશે, સંસદ ભવનમાં સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર થઈ જશે. હાલના ઉપ રાષ્ટ્રપતિ વૈંકય્યા નાયડુનો કાર્યકાળ 11 અૉગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. કેન્દ્રમાં સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના એનડીએ તરફથી આ વખતે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવાયા છે જ્યારે વિપક્ષ તરફથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગારેટ આલ્વા ઉમેદવાર છે. જોકે, ધનખડની જીત નિશ્ચિત મનાય છે. બંગાળમાં સત્તાધીશ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે મતદાનથી વેગળા રહેવાની જાહેરાત કરી છે અને યુપીની બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાનું કહ્યું છે તેથી વિપક્ષના મતોમાં ઘટાડો થશે, તેથી આ ચૂંટણી માત્ર ઔપચારિકતા હોવાનું જણાઈ રહ્યું છે. 
ભારતમાં ઉપ રાષ્ટ્રપતિ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે અને કોઈ અનિવાર્ય કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો તેમની જવાબદારી ઉપ રાષ્ટ્રપતિએ નિભાવવાની હોય છે. ઉપ રાષ્ટ્રપતિ હોદાની રૂએ રાષ્ટ્રપતિ પછી બીજા નંબરના સર્વોચ્ચ સ્થાને અને ત્યાર બાદ ત્રીજા નંબરે વડા પ્રધાનનું પદ છે. 
ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ મતદાન કરે છે. આંકડા પ્રમાણે જોઈએ તો લોકસભાના 543 અને રાજ્યસભાના મનોનિત 12 સહિત 243 મળી કુલ 788 સંસદસભ્યો આ ચૂંટણીમાં મતદાન કરશે. ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન મત પત્રકોથી થાય છે. 

Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust