પીએસીએલ મની લૉન્ડરિંગ ઉપરાંત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પીએસીએલ મની લૉન્ડરિંગ અને સંજય રાઉત સાથે સંકળાયેલા મુંબઈના બ્રોકર સી.પી. ખંડેલવાલની ધરપકડ કરી હતી.
ઈડી અને સાંસદ સંજય રાઉત અને બ્રોકરેજ હાઉસ સિસ્ટેમેટિક્સ ચલાવતા મુંબઈના સ્ટોકબ્રોકર ચંદ્ર પ્રકાશ ખંડેલવાલ વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. ઈડી એવું માની રહી છે કે પીએસીએલ ચીટ ફંડ સ્કેમને સંડોવતા મની લૉન્ડરિંગ રેકેટમાં ખંડેલવાલ અને રાઉત સંડોવાયેલા હતા. ઈડીએ ખંડેલવાલની પીએસીએલ મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે જ્યારે રાઉત પાત્રા ચાલમાંથી થયેલી અપરાધિક ઉપજના લૉન્ડરિંગમાં શકમંદ છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. ખંડેલવાલની જામીન અરજીને પીએમએલએ (પ્રિવેન્શન અૉફ મની લૉન્ડરિંગ ઍક્ટ) કોર્ટે નકારી કાઢી હતી. ખંડેલવાલની ધરપકડના થોડા દિવસ પહેલાં જ ઈડીએ રાઉતને તેમના મુંબઈ ખાતેના નિવાસસ્થાનેથી ઉઠાવી લીધો હતો.
સેબીએ પર્લ ગ્રુપ તરીકે જાણીતી પીએસીએલ પર વ્હીપ ફટકાર્યો હતો. આ ગ્રુપે છેલ્લાં 18 વર્ષથી ગેરકાયદે કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ (સીઆઈએસ) દ્વારા કૃષિ અને રિયલ એસ્ટેટને નામે જાહેર જનતા પાસેથી રૂપિયા 60,000 કરોડ એકઠા કર્યા હતા.
દરમિયાન ઈડીની તપાસમાં એવું બતાવવામાં આવ્યું છે કે સંજય રાઉતના નજીકના પ્રવીણ રાઉતે પાત્રા ચાલના ફંડને પીએસીએલ તરફ વાળ્યા હતા તેમ જ ખંડેલવાલના સિસ્ટેમેટિક્સ ગ્રુપ સાથે પણ સોદા કર્યા હતા.
Published on: Sat, 06 Aug 2022
સંજય રાઉત સાથે સંકળાયેલા બ્રોકર સીપી ખંડેલવાલની ધરપકડ
