હોકીમાં સિલ્વર મેડલ : ફાઇનલમાં અૉસ્ટ્રેલિયા સામે 0-7 ગોલથી હાર

હોકીમાં સિલ્વર મેડલ : ફાઇનલમાં અૉસ્ટ્રેલિયા સામે 0-7 ગોલથી હાર
બર્મિંગહામ, તા.8: કોમનવેલ્થ ગેમ્સમાં હોકીમાં સુવર્ણ ચંદ્રક જીતવાનું ભારતીય ટીમનું સપનું ચકનાચૂર થયું છે. પુરુષ વિભાગના આજે રમાયેલા ફાઇનલમાં ભારતીય ટીમનો મજબૂત ઓસ્ટ્રેલિયા સામે 0-7 ગોલથી કારમો પરાજય થયો હતો. આથી ફરી એકવાર રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. આ પહેલા ગઈકાલે મહિલા હોકી ટીમને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. પુરુષ હોકી ટીમને કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજીવાર રજત ચંદ્રક મળ્યો છે. આ પહેલા 2010 દિલ્હી અને 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ટીમ બીજા સ્થાને રહી હતી.
આ પહેલા ભારતીય પુરુષ હોકી ટીમ 2010 અને 2014ના કોમનવેલ્થ ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત સાતમીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. હોકીમાં અત્યાર સુધીના તમામ ગોલ્ડ મેડલ ઓસ્ટ્રેલિયાનાં નામે રહ્યા છે.
આજે રમાયેલા ફાઇનલમાં ભારતીય ટીમ ધારણા અનુસાર દેખાવ કરી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ક્વાર્ટરમાં જ 6 ગોલ કરીને જીત નિશ્ચિત કરી લીધી હતી. હાફ ટાઇમે ઓસ્ટ્રેલિયા 5-0થી આગળ હતું.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust