40 વર્ષીય શરથ કમલની કમાલ : ટેબલ ટેનિસમાં ચૅમ્પિયન

40 વર્ષીય શરથ કમલની કમાલ : ટેબલ ટેનિસમાં ચૅમ્પિયન
મિકસ્ડ ડબલ્સમાં પણ શ્રીજા અકુલા સાથે ગોલ્ડ મેડલ જીત્યો 
બર્મિંગહામ, તા.8 : ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલે ઉંમરના આંકડાને પાછળ રાખીને કોમનવેલ્થ ગેમ્સના પુરુષ સિંગલ્સમાં ચેમ્પિયન બન્યો છે. 40 વર્ષીય અચંતા શરથ કમલે ફાઇનલમાં ઇંગ્લેન્ડના ખેલાડી લિયામ પિચફોર્ડને 11-13, 11-7, 11-2 અને 11-7થી હાર આપીને દેશને 22મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. શરથ કમલે પાછલા ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જયારે 2006 મેલબોર્ન કોમનવેલ્થમાં ચેમ્પિયન બન્યો હતો. હવે તેણે 16 વર્ષ પછી ફરી બર્મિંગહામમાં ગોલ્ડ જીતીને 40 વર્ષની વયે નવો ઇતિહાસ રચ્યો છે.
આ ઉપરાંત ગઇકાલે 40 વર્ષીય શરથ કમલે યુવા મહિલા ખેલાડી શ્રીજા અકુલા સાથે મળીને મિકસ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અચંતા અને શ્રીજાની ભારતીય જોડીએ ફાઇનલમાં મલેશિયાના જાવેન ચુંગ અને કારેન લાઇનને 11-4, 9-11, 11-5 અને 11-6થી હાર આપીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો.
સાથિયાનને કાંસ્ય ચંદ્રક: જયારે મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસમાં ભારતના એસ. સાથિયાને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેનો રસાકસી બાદ ઇંગ્લેન્ડના પેડલર ડ્રૉકહોલ વિરૂધ્ધ પ્લેઓફ મેચમાં વિજય થયો હતો.
સ્ક્વૉશમાં દીપિકા-સૌરવની જોડીને કાંસ્ય
સ્ટાર સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની ભારતીય જોડી કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશની મિકસડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. બ્રોન્ઝ મેડલના પ્લેઓફ મેચમાં ભારતીય જોડીનો 11-8 અને 11-4થી શાનદાર વિજય થયો હતો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે દીપિકા પલ્લીકલ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની છે. કાર્તિક અને ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ ટી-20 શ્રેણીમાં 4-1થી વિજય નોંધાયો છે.
સુપર હેવીવેઇટ બૉક્સિંગમાં સાગરને સિલ્વર
92 કિલો પ્લસ હેવીવેઇટ બોક્સિંગના પુરુષ વિભાગના ફાઇનલમાં ભારતના સાગર અહલાવતનો ઇંગ્લેન્ડના મુકકેબાજ સામે 0-5થી પરાજય થયો હતો. આથી તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.

Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust