રાજ્યસભા-લોકસભા ચાર દિવસ અગાઉ અનિશ્ચિતકાળ માટે સ્થગિત

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 8 : સંસદનાં બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાને સોમવારની કાર્યવાહી બાદ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. આ અઠવાડિયે મંગળવારે મુહર્રમ અને ગુરુવારે રક્ષા બંધનની એમ બે રજાને પણ અધિવેશનના કાર્યકાળમાં સાંકળવામાં આવી હતી. સરકારે જોકે સંસદનું કામકાજ થાય એ માટે સરકારે ઘણા પ્રયાસો કર્યા, તો વિરોધ પક્ષોએ પણ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે સરકારને ઘેરવાના પૂરા પ્રયાસો કર્યા. આને કારણે સંસદના બંને ગૃહોને અનેકવાર સ્થગતિ કરવા પડયા. આ અંગે ગયા અઠવાડિયે સંસદમાં ચર્ચા થઈ હતી, પરંતુ અધિવેશન ટૂંકાવીને સરકાર વિરોધ પક્ષોના અગ્નિવીર યોજના પરના હુમલાથી બચી ગઈ. જોકે, સરકાર આ મામલો કોર્ટમાં હોવાની દલીલ કરી ચર્ચા કરવા તૈયાર નહોતી.
રાજ્યસભામાં સોમવારે સંસદના ચોમાસું અધિવેશનના સોળમા દિવસે વિદાય લઈ રહેલા ઉપલા ગૃહના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુને વિદાય આપી. તો લોકસભામાં ઊર્જા સંરક્ષણ (સુધારિત) ખરડો 2022 અને નવી દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેટર સેન્ટર (સુધારિત) ખરડો 2022 પસાર કર્યા હતા. તો ઇલેક્ટ્રિસિટી (સુધારિત) ખરડો 2022ને રજૂ કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. જોકે, લોકસભામાં વિરોધ પક્ષોએ ભારે વિરોધ નોંધાવતા ખરડો સ્ટેન્ડિંગ કમિટીને રિફર કરવામાં આવ્યો.
જ્યારે રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારિત) ખરડો 2022 પસાર કરાયો હતો. લોકસભા આ ખરડો  અગાઉ પસાર કરી ચૂકી છે.
રાજ્યસભામાં અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે, ગૃહે આડત્રીસ કલાક કામ કર્યું હતું, જ્યારે અધિવેશન દરમિયાન અવરોધોને કારણે 48 કલાક વેડફાયા હતા. તેમણે કહ્યું, પ્રશ્નોત્તરી કાળ સાત દિવસ સુધી લઈ શકાયો નહીં. ઉપલા ગૃહના કામકાજ અંગે અધ્યક્ષે કહ્યું, માત્ર ચાર બાબતો અંગે વિચારણા થઈ અને એ મંજૂર કરવામાં આવ્યા. નાયડુએ કહ્યું દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારા અંગે ગૃહમાં ટૂંકી ચર્ચા કરી હતી.
લોકસભામાં સમાપન ભાષણમાં અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, અધિવેશન દરમિયાન છ ખરડા રજૂ કરવામાં આવ્યા અને સાત ખરડા પસાર કરવામાં આવ્યા. તેમણે કહ્યું સોળ બેઠકો યોજાઈ અને ગૃહમાં 44 કરતાં વધુ સમય કામકાજ થયું. તેમણે કહ્યું કે ગૃહની ઉત્પાદક્ષમતા 48 ટકા રહી હતી. બિરલાએ કહ્યું ગૃહમાં ભાવવધારા અને રમતગમતોને પ્રાત્સાહન આપવા જેવી બાબતો પર ટૂંક સમય માટે ચર્ચા પણ કરી હતી.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust