સંજય રાઉતને હવે બાવીસ અૉગસ્ટ સુધીની જ્યુડિશિયલ કસ્ટડી

સંજય રાઉતને હવે બાવીસ અૉગસ્ટ સુધીની જ્યુડિશિયલ કસ્ટડી
મની લૉન્ડરિંગ કેસ
મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : શિવસેના નેતા સંજય રાઉતની અદાલતી કસ્ટડી 22મી અૉગસ્ટ સુધી લંબાવવાનો આદેશ વિશેષ પીએમએલએ જજ એમ. જી. દેશપાંડેએ આપ્યો છે. અદાલતે રાઉતની ઘરના ખાવાની અને દવાની વિનંતી સ્વીકારી છે, પણ બિછાના અંગેની અરજી અંગે કોઈ આદેશ આપ્યો નથી. જજે જણાવ્યું હતું કે પ્રીઝન મેન્યુઅલ મુજબ જેલ સત્તાવાળાઓ બિછાનાની વ્યવસ્થા કરશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અદાલતમાં જણાવવામાં આવ્યું હતું કે સંજય રાઉત ખૂબ જ વગદાર વ્યક્તિ હોવાથી અને તેઓ વિરુદ્ધ સાક્ષીઓને ધમકાવવાના આક્ષેપો સપાટી ઉપર આવ્યા હોવાથી તેઓ પુરાવા અને `અપરાધની ઉપજ' શોધવાના કામમાં વિક્ષેપ પાડી શકે છે. તેની હાલ ચાલતી તપાસના હિતમાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવે. કસ્ટડીમાં પૂછપરછ સમયે રાઉતએ માત્ર તેઓ પોતે જાણે છે એવી વિશિષ્ટ જાણકારી આવી નથી. તેમણે પ્રશ્નોના ઉડાઉ જવાબ આપ્યા છે. આ અપરાધમાં સંડોવાયેલી રકમ 1039.79 કરોડ રૂપિયા જેટલી છે. આરોપીની આખી ભૂમિકા જાણવા માટે વધુ પૂછપરછ અને તપાસની જરૂર છે એમ ઈડીએ અદાલતમાં જણાવ્યું હતું.
આ પહેલાંની રિમાંડ અરજીમાં ઈડી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે રાઉતને `અપરાધની ઉપજ' તરીકે 2.25 કરોડ રૂપિયા મળ્યા હતા. તે નાણાંનો ઉપયોગ અલીબાગમાં સ્થાવર મિલકત ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust