રવિના ટંડન બની મહારાષ્ટ્રની વાઈલ્ડલાઈફ ગુડવિલ એમ્બેસેડર

રવિના ટંડન બની મહારાષ્ટ્રની વાઈલ્ડલાઈફ ગુડવિલ એમ્બેસેડર
મહારાષ્ટ્રની વાઈલ્ડલાઈફ ગુડવિલ એમ્બેસેડર તરીકે અભિનેત્રી રવિના ટંડનની નિમણૂક કરવામાં આવી છે. વન્યજીવન અને સંવર્ધન વિશેના પૅશન બાબતે જાણીતી રવિના આ પદ માટે ઉત્તમ પસંદગી હતી. રવિનાએ સોશિયલ મીડિયા પર આ સમાચાર તસવીર મૂકીને આપ્યા હતા. તેણે લખ્યું હતું કે, આપણે સાથે મળીને પ્રકૃતિનું સંવર્ધન કરીશું અને લોકોને પર્યાવરણસ્નેહી જીવન જીવવા પ્રેરણા આપીશું. 
મહારાષ્ટ્રના વન પ્રધાન સુધીર મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે, અમે રવિનાના વન્યજીવન બાબતના પ્રેમને જોયો છે. આથી જ તેને વાઇલ્ડલાઈફ ગુડવિલ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય કર્યો હતો.
બીજી તરફ રવિનાએ વાઈલ્ડલાઈફ ગુડવિલ એમ્બેસેડર બનવાને સમ્માનીય ગણાવ્યું હતું. મહારાષ્ટ્રના વન વિભાગ સાથે મળીને આ દિશામાં કામ કરવા મળશે તેનો આનંદ અભિનેત્રીને છે. પ્રકૃતિ અને લોકો બધાને માટે સુગમ રહે તે પ્રકારે જતન કરવાની જરૂર છે. આ કામ માટે મને આ મંચ પૂરો પાડવામાં આવ્યો છે અને હું તે કામ નિષ્ઠાથી કરીશ. 
હવે કારકિર્દીની દૃષ્ટિએ જોઈએ તો રવિના ફિલ્મ ગુડચડીમાં સંજય દત્ત, પાર્થ સમથાન અને ખુશાલી કુમાર સાથે મહત્ત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શક બિનોય ગાંધી છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust