આઈપીએલ ફરી જૂના અંદાજમાં રમાશે : કોરોના કાબૂમાં, ઘરઆંગણે મુકાબલા : ગાંગુલી

આઈપીએલ ફરી જૂના અંદાજમાં રમાશે : કોરોના કાબૂમાં, ઘરઆંગણે મુકાબલા : ગાંગુલી
નવી દિલ્હી, તા.22 : આઈપીએલની શરુઆત થઈ ત્યારે તેમાં ભારે ઝાકમજોળ જોવા મળતી હતી. ત્યાર બાદ કોરોના કાળમાં મુકાબલા નાછૂટકે વિદેશમાં રમાડવા પડયા ઉપરાંત નિયંત્રણોને કારણે રોનક ઝંખવાઈ હતી. પરંતુ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મહત્વની જાહેરાત કરી છે કે આગામી સિઝનમાં આઈપીએલમાં અસ્સલ રોનક જોવા મળશે.
ગાંગુલીએ કહ્યં કે આઈપીએલ-2023 તેના જૂના અંદાજમાં રમાશે. જે સેટઅપ કોરોના કાળ પહેલા હતું. એટલે કે તમામ 10 ટીમ પોતાના ઘરેલું મેદાનમાં અને વિરોધી ટીમના મેદાનમાં મેચ રમશે. આ અંગે સંબંધિત ફ્રેન્ચાઈઝીઓને જાણ કરવામાં આવી છે. 
2020માં કોરોના ત્રાટકયા બાદ આઈપીએલના મુકાબલા મર્યાદિત સ્થળોએ યોજાયા હતા. દુબઈ, શારજહાં અને અબુધાબીમાં નિયંત્રણ હેઠળ સિઝન યોજાઈ હતી. હવે કોરોનાને લગતી કોઈ મોટી ચિંતા ન હોવાથી અગાઉની જેમ જ આઈપીએલ સંપૂર્ણ રોનક સાથે રમાશે.
આવતાં વર્ષથી રમાશે મહિલા આઈપીએલ 
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ તમામ રાજ્યોના સંઘોને પત્ર લખી જાણ કરી છે કે આવતાં વર્ષની શરૂઆતમાં મહિલા આઈપીએલ રમાડવા તેઓ આશાવાદી છે. ક્રિકેટ બોર્ડ મહિલા આઈપીએલના આયોજન પર કામ કરી રહ્યં છે અને 18મી ઓક્ટોબરની એજીએમના એજન્ડામાં મહિલા આઈપીએલ છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust