ભારત-અૉસ્ટ્રેલિયાના ત્રીજા મુકાબલા પહેલાં ભાગદોડમાં અનેક ઘવાયા

ભારત-અૉસ્ટ્રેલિયાના ત્રીજા મુકાબલા પહેલાં ભાગદોડમાં અનેક ઘવાયા
હૈદરાબાદમાં ટિકિટ માટે પડાપડી : પોલીસનો લાઠીચાર્જ
હૈદરાબાદ, તા.22: હૈદરાબાદ ખાતે રમાનાર ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજા ટી-20 મુકાબલા માટે ટિકિટનું વેચાણ શરૂ થતાં જ મચેલી ભાગદોડમાં અનેક ક્રિકેટપ્રેમીઓ ઘવાયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લાવવા પોલીસે દે...ધનાધન... લાઠીઓ વિંઝી હતી. કલાકો સુધી લાઇનમાં ઉભેલા ક્રિકેટપ્રેમીઓને અપેક્ષિત ટિકિટ ન મળતા હંગામો મચ્યો હતો.
રપ સપ્ટેમ્બરે થનાર છેલ્લા મુકાબલા માટે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની ટિકિટ બારી ખાતે ઉમટી પડયા હતા. ગુરુવારે સવારે 10 કલાકથી ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું પરંતુ એકાએક ભીડ વધી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક ફેન્સ આગલી રાત્રે 3 કલાકથી લાઇનમાં ઉભા રહી ગયા હતા. સવાર થતા જ જંગી મેદની એકઠી થઈ જતાં પોલીસ બંદોબસ્ત અપૂરતો સાબિત થયો હતો. ઉત્તેજિત ટોળાને કાબૂ કરવા પોલીસે લાઠીચાર્જ કરતાં જ ભાગદોડ મચી ગઈ હતી. હૈદરાબાદમાં 3 વર્ષના લાંબા સમયગાળા બાદ ઇન્ટરનેશનલ મેચ યોજાઈ રહ્યો છે જેને પગલે ક્રિકેટપ્રેમીઓ ભારે ઉત્સાહિત છે. છેલ્લે 2019માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી-20 રમાયો હતો.
ઓસ્ટ્રેલિયા-ભારત ટી-20 મુકાબલાની ટિકિટનાં વેચાણમાં ગેરરીતિનો ક્રિકેટ ફેન્સે આરોપ લગાવ્યો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન ટિકિટોનું વેચાણ યોગ્ય રીતે ન કરી રહ્યાનો સ્થળ પર હાજર ક્રિકેટ ફેન્સે રોષ ઠાલવ્યો હતો. માત્ર રૂ.850 અને 1200 વાળી ટિકિટ ઉપલબ્ધ છે તેવો જવાબ અપાઈ રહ્યો છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust