યુએસ ડૉલર સામે રૂપિયો ઘટીને નવા નીચલા વિક્રમી સ્તરે

યુએસ ડૉલર સામે રૂપિયો ઘટીને નવા નીચલા વિક્રમી સ્તરે
મુંબઈ, તા. 22 : યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ધિરાણદરમાં 0.75 બેઝિસ પૉઈન્ટસનો વધારો કરવામાં આવતાં આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં યુએસ ડૉલર સામે તમામ એશિયન ચલણો સાથે ભારતીય રૂપિયો પણ તૂટયો હતો.
રૂપિયો ગઈકાલના 79.97ના બંધથી આજે 89 પૈસા તૂટીને 80.86ના નવા નીચલા વિક્રમી સ્તરે બંધ આવ્યો હતો. 24 ફેબ્રુઆરી 2022 બાદ રૂપિયામાં આ દિવસ દરમિયાન થયેલું સૌથી મોટું અવમૂલ્યન છે. રૂપિયાના ભારે અવમૂલ્યનને અટકાવવા માટે આરબીઆઈ દ્વારા હસ્તક્ષેપ થયો હતો કે નહીં તેની ખાતરી આપવામાં ટ્રેડરો નિષ્ફળ રહ્યા હોવાનું રોઈટરે જણાવ્યું છે.
અમુક ટ્રેડરોએ જણાવ્યું હતું કે રૂપિયાના અવમૂલ્યનને અટકાવવા માટે આરબીઆઈએ કદાચ હસ્તક્ષેપ ર્ક્યો હશે, પરંતુ તેનું વલણ આક્રમક નહોતું.
યુએસ ફેડ રિઝર્વના આક્રમક વલણ બાદ એશિયન ચલણો અને શૅરબજારો ઘટયાં હતાં. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2023ના આખર સુધીમાં ફેડ દ્વારા 4.6 ટકાના મહત્તમ સ્તર સુધી વધારો થતો રહેશે. ડૉલર ઈન્ડેક્સ 20 વર્ષની ટોચે 111.80 થયો હતો.
દરમિયાન, સ્વિસ બૅન્કે ધિરાણ દરમાં 0.25 ટકા અને બ્રિટનની બૅન્ક અૉફ ઈંગલૅન્ડે તેમના ધિરાણ દરમાં 0.50 ટકાનો વધારો કરતાં વૈશ્વિક બજારો સાથે એશિયા અને યુરોપના ચલણોનું ભારે અવમૂલ્યન થયું હતું.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust