સોના-ચાંદીના દાગીના ઉપર હૉલમાર્કિંગના દરમાં વધારો

સોના-ચાંદીના દાગીના ઉપર હૉલમાર્કિંગના દરમાં વધારો
નાગરિકોને દાગીનાનું હૅલમાર્કિંગ મોંઘું પડશે
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારે સોના અને ચાંદીના દરેક નંગ દીઠ હૉલમાર્કિંગના દરમાં રૂા.10નો વધારો કરતાં નાગરિકોને તેમના દાગીનાનું હૅલમાર્કિંગ કરાવવું મોંઘું પડશે.
બ્યુરો અૉફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ સોનાના દાગીના અને અન્ય કલાત્મક ચીજો ઉપર હૉલમાર્કિંગનો દર પ્રતિ નંગ અગાઉના રૂા.35થી વધારીને રૂા.45 કરવામાં આવ્યો છે. તે પ્રમાણે ચાંદીના દાગીના અને અને અન્ય ચાંદીની કલાત્મક ચીજો ઉપર હૉલમાર્કિંગ માટે પ્રતિ નંગ અગાઉની રૂા.25ની ફી વધારીને રૂા.35 કરવામાં આવી છે. જોકે, સોના,  ચાંદી અને અન્ય કલાત્મક ચીજવસ્તુઓ ઉપર હૉલમાર્કિંગ માટે વસૂલ થતી લઘુતમ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
દાગીના ઉપર વસૂલ થતી હૉલમાર્કિંગ ફી તેના વજન ઉપર નહીં, પરંતુ નંગ દીઠ ફ્લેટ રાખવામાં આવી છે. આમ, દાગીનાનું વજન હૉલમાર્કિંગના દરને પ્રભાવિત કરતું નથી. 
ઈકોનોમિક લૉ પ્રેક્ટિસના પાર્ટનર નિશાંત શાહના જણાવ્યા મુજબ બીઆઈએસ દ્વારા હૉલમાર્કિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેના ચાર વર્ષ બાદ પહેલીવાર દરમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે સોનાના દાગીનાની પ્યુરિટી દર્શાવતા હૉલમાર્કિંગને ફરજિયાત બનાવવા માટે કાયદો પસાર કર્યે હતો. કેન્દ્રના ગ્રાહક મંત્રાલય હેઠળ બીઆઇએસ કાર્યરત છે. 
કેન્દ્ર સરકારે 1 જૂન, 2022ના રોજ સોનાના દાગીના ઉપર હૉલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું હતું. તેથી સોનું ખરીદતાં ગ્રાહકોએ દાગીનાનું હૉલમાર્કિંગ કરાવવાની બાબત ધ્યાનમાં રાખવાની હોય છે. બીજી તરફ જ્વેલર્સ પણ હૉલમાર્ક વગરના દાગીના વેચી શકે નહીં. 
અત્યારે સોનાનું હૉલમાર્કિંગ છ શ્રેણી હેઠળ કરવામાં આવે છે; તેમાં 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના દાગીના માટે થાય છે. આમ, સોનાના દાગીના ઉપર `18કે750' એવો સ્ટૅમ્પ હોય તો તે દાગીનામાં 75 ટકા સોનાની પ્યુરિટી હોવાનું તે દર્શાવે છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust