સાયરસ મિત્રીનો જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં બે દિવસમાં છ લોકોનાં મોત

મુંબઈ, તા. 22 : ઉદ્યોગપતિ સાયરસ મિત્રીનો જે જગ્યાએ અકસ્માત થયો હતો તે જગ્યાએ છેલ્લા બે દિવસમાં છ જણનાં મોત થયા છે. સોમવાર મોડી રાતથી બુધવાર સુધી અહીં અલગ અલગ અકસ્માતમાં છ જણનાં મોત થયા હતા. પાલઘર પોલીસે આ માર્ગનું સમારકામ કરાવનાર સંબંધિત કંપની સામે કેસ નોંધ્યો છે.  જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા બાદ મુંબઈ-અમદાવાદ હાઇવેનો સંબંધિત માર્ગ લોકોની નજરમાં બેસી ગયો છે. સોમવારે રાતે એક કાર મુંબઈથી ગુજરાત જતી વખતે ડિવાઇડર સાથે ટકરાઇ હતી, ત્યારબાદ એક ટેમ્પો પણ ત્યાં ટકરાયો હતો. કારમાં સવાર ત્રણ લોકોની અને ટેમ્પો ડ્રાઇવરનું આ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ મંગળવારે બપોરે આ વિસ્તારમાં એક જ પ્રકારે ફરી કાર અને ટેમ્પોની ટક્કર થઇ હતી, જેમાં બે જણનાં મોત થયા હતા. એક જ જગ્યાએ અને એક જ પ્રકારે અકસ્માત થવાને કારણે પ્રશાસન સતર્ક થઇ ગયું છે. પાલઘર પોલીસ રસ્તાનું સમારકામ કરાવનાર કંપની સામે ગુનો નોંધ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે આ રસ્તાના સમારકામ વખતે એવી ખામીઓ રહી ગઇ છે, જેને કારણે ડ્રાઇવર ત્યાં વાહન પરથી સંતુલન ખોઇ બેસે છે. પહેલા કાર ડિવાઇડરથી ટકરાય છે અને ત્યારબાદ સંતુલન ગુમાવી અન્ય કોઇ વાહન સાથે ટકરાઇ જાય છે. આવા જ અકસ્માતમાં સતત લોકોનાં મોત થઇ રહ્યા છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust