પાંચ રાજ્યમાં ભાજપે રૂા. 340 કરોડ અને કૉંગ્રેસે રૂા. 194 કરોડ ખર્ચ્યા

ચૂંટણી ખર્ચનો અહેવાલ જાહેર
નવી દિલ્હી, તા. 22 : ભાજપે 2022નાં વર્ષના પ્રારંભમાં દેશના પાંચ રાજ્યમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓ જીતવા માટે 340 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
કેસરિયા પક્ષે સૌથી વધુ ખર્ચ ઉત્તરપ્રદેશમાં સત્તાના સંગ્રામ પાછળ કર્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે આ પાંચ રાજ્યમાં ચૂંટણીનો જંગ જીવતા માટે 194 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. દેશના બન્ને મુખ્ય પક્ષોના ચૂંટણીમાં ખર્ચ પર જારી કરાયેલા એક અહેવાલમાં આવી જાણકારી અપાઈ છે.
ચૂંટણી પંચને સોંપાયેલા અને જાહેર પણ કરાયેલા અહેવાલ અનુસાર ભાજપે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણીઓમાં 340 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રચાર માટે કર્યો હતો.
કેસરિયા પક્ષે સૌથી વધુ 221 કરોડ રૂપિયા ઉત્તરપ્રદેશમાં, ઉત્તરાખંડમાં 43.67 કરોડ, પંજાબમાં 36 કરોડ, મણિપુરમાં 23 કરોડ અને ગોવામાં 19 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
એ જ રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કુલ 194 કરોડથી વધુ ખર્ચ કર્યો હોવાનું અહેવાલ પરથી જાણવા મળે છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust