આઇઆઇટી-બૉમ્બેની કેન્ટીનમાં માત્ર મહિલા સ્ટાફ હશે

મુંબઈ, તા. 22 : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ અૉફ ટેકનૉલૉજી, બૉમ્બેમાં કેન્ટીન કર્મચારીની વિદ્યાર્થિનીઓની હોસ્ટેલના બાથરૂમમાં વીડિયો રેકર્ડ કરવાના આરોપમાં ધરપકડ થઇ છે.  આ એમએમએસ કાંડ થયા બાદ આઇઆઇટી-બૉમ્બેએ સુરક્ષા પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો હતો કે તેમને સુરક્ષામાં થતા ફેરફાર અંગે ઇમેલ મળ્યા છે. વિદ્યાર્થિનીઓ પાસે આ સુરક્ષા ઉપાય બાબતે વાંધા કે સૂચનો મંગાવાયા છે. 
સંસ્થાનના અધિકારીઓએ તપાસ બાદ હોસ્ટેલની એન્ટ્રીમાં તમામ સંભવિત પોઇન્ટસને બદલી નાખ્યા છે. સ્થાયી સમારકામ થાય ત્યાં સુધી એન્ટ્રી પોઇન્ટસને સીલ કરી દેવાયું છે. વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો હતો કે કેમ્પસ મેસ અને હોસ્ટેલમાં પુરુષ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાશે અને નાઇટ કેન્ટીનને બંધ રાખવામાં આવશે જ્યાં સુધી મહિલા કર્મચારીઓની નિમણૂંક નહીં થાય. સંસ્થાનના પ્રવકતાએ જણાવ્યું હતું કે કેન્ટીનમાં મહિલા સ્ટાફની નિમણૂંક કરાયા બાદ કામ ફરી શરૂ કરી દેવાશે. સુરક્ષા સુનિશ્ચિત કરવા તાકિદના પગલા ઉઠાવાયા છે. વિદ્યાર્થિનીઓની અન્ય હોસ્ટેલની સુરક્ષાનું પણ ઓડિટ કરાશે. 
રવિવારે વિદ્યાર્થિનીએ આઇઆઇટી-બૉમ્બે મહિલા હોસ્ટેલના બાથરૂમની બહાર બારી ઉપર મોબાઇલ ફોન જોયો હતો અને અધિકારીઓને તેની જાણકારી આપી હતી. ત્યારબાદ પવઇ પોલીસ સ્ટેશનમાં જણાવાયું હતું. પોલીસે આ મામલે પાંચ કેન્ટીન કર્મચારીની પૂછપરછ કર્યા બાદ 22 વર્ષના કેન્ટીન વર્કરની ધરપકડ કરી હતી. નાઇટ કેન્ટીનમાં કામ કરતા કર્મચારી દ્વારા વિદ્યાર્થિનીઓની નિજતાનું ઉલ્લંઘનનો પ્રયાસ થયો હતો. પોલીસ અનુસાર પાઇપ વચ્ચેના ગેપનો લાભ લઇને આરોપીએ વિડિયો રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગેપ હવે બંધ કરી દેવાયો છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust