સુરતના વેપારી પાસે ત્રણ કરોડના હીરા જપ્ત કરી ખંડણી માગી : ત્રણની ધરપકડ

મુંબઈ, તા. 22 : હીરાના વેપારીના 25 વર્ષની ઉંમરના કર્મચારીએ તેના બે સાથીઓ સાથે મળીને એવી ખોટી વાર્તા ઘડી કાઢી હતી કે તેમને મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે અટકમાં લેવામાં આવ્યા છે અને જો તેઓ રૂપિયા 80 લાખ નહીં ચૂકવે તો તેમના રૂપિયા ત્રણ કરોડની કિંમતના હીરાને જપ્ત કરવામાં આવશે. આ ત્રણેને મુંબઈ પોલીસે ઍરપોર્ટ ખાતે પકડી લીધા હતા.
ક્રાઇમ બ્રાંચ યુનિટ બારે ગણતરીના કલાકોમાં આ કેસ ઉકેલી લીધો હતો અને વિજય હિરપે, રવિ ગોગરી (33) અને કિશન શિરોપા (20)ની ધરપકડ કરી હતી અને અનિતા દામેલિયા નામની મહિલા સહિત વધુ બે જણની શોધ કરવામાં આવી રહી છે. તેમણે પીડિતને ખોટી સ્ટોરી રજૂ કરવાનું કાવતરું ઘડયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે સુરતના હીરાના વેપારી જયરામ અંકોલિયા તેમના દુબઈ ખાતેના ગ્રાહકને હીરા વેચવા માગતા હતા. મંગળવારે અંકોલિયાએ તેના કર્મચારી વિજય હિરપેને મોકલ્યો હતો જેને મુંબઈથી દુબઈની ફ્લાઇટ મંગળવારે પકડવાની હતી. લગભગ 10 વાગે હિરપેએ અંકોલિયાને ફોન કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે તેને અટકમાં લેવામાં આવ્યો છે અને મુક્તિ માટે કસ્ટમવાળા રૂપિયા 80 લાખની માગણી કરી રહ્યા છે. અંકોલિયા કાનૂની રીતે હીરાની નિકાસ કરી રહ્યા હોવાથી તેમને આ બાબતમાં શંકા ગઈ હતી અને પોતાના મિત્ર શિવલાલ રજનીને તપાસ કરવા ઍરપેર્ટ મોકલ્યો હતો.
`ત્રણેય આરોપીઓ રજનીને વિમાનીમથકની બહાર મળ્યા હતા અને તેને કારમાં બેસાડી મીરા રોડ લઈ ગયા હતા અને તેને ત્યાં બંદી બનાવી દીધો હતો જ્યારે અંકોલિયા રજનીનો સંપર્ક કરી શકયા નહોતા ત્યારે તેમને શંકા ગઈ હતી. સહાર ઍરપોર્ટ ખાતે ફરિયાદ નોંધાવી હતી. કેસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ મદદથી રજનીને છોડાવ્યો હતો અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
ડીસીપી (ક્રાઇમ) સંગ્રામસિંહ નિશાનદારે જણાવ્યું હતું કે ત્રણેય આરોપી સુરતના છે અને તેમનો અગાઉનો અપરાધિક રેકર્ડ તપાસવામાં આવી રહ્યો છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust