રાજા-મહારાજાઓ પાસેથી લોન અપાવવાના નામે છેતરપિંડી : બેની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : કાંદિવલી પશ્ચિમમાં માર્ચ, 2021થી માર્ચ, 2022 દરમિયાન મુંબઇ શહેરમાં બૅન્ક લોન રદ કરે અથવા જેમના બૅન્ક ખાતા એનપીએ હોય એવા લોકોના નંબર મેળવીને તેમને રાજા-મહારાજાઓ પાસેથી કરોડો રૂપિયાની લોન આપવાની લાલચ આપી તેમની પાસે સર્વિસ ચાર્જ અને અન્ય ખર્ચના નામે આર્થિક છેતરપિંડી કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. આ મામલે કાંદિવલી ગુના શાખાની ટીમે શ્યામ તલરેજા અને હિતેશ પર્સનાની એમ બે જણની ધરપકડ કરી છે. બંનેની ધરપકડ અનુક્રમે ઉલ્હાસનગર અને અંબરનાથથી થઇ છે. આ મામલે મુખ્ય આરોપી દીપક સૌદા જે રાજસ્થાનમાંનો રાજા-મહારાજા, સરકારી અધિકારી કે બૅન્ક કર્મચારી બનીને ફોન કરતો અને મોંઘી હૉટેલોમાં મુલાકાત લેતો હતો,તે ફરાર છે. આ કેસના બંને આરોપીઓને  કોર્ટે 28મી સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી છે. 
ગુના શાખા 11એ આપેલી માહિતી અનુસાર ધરપકડ કરાયેલા બંને આરોપીઓ વધુ લોન લેનારા, બિઝનેસ લોન લેતા લોકોની યાદી મેળવી લેતા અને તેમનો સંપર્ક સાધીને રાજસ્થાનના રાજા-મહારાજા પાસેથી ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપતા હતા. લોન લેનાર શખસ તેમની જાળમાં ફસાયા બાદ તેમની પાસેથી સ્ટેમ્પ ડયૂટી, પેપર વર્ક અને અન્ય ખર્ચના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થતા હતા. લોન ઇચ્છુકોને તેઓ મુખ્યત્વે ટાર્ગેટ કરતા હતા. શ્યામ તલરેજા મિટિંગ કરતો હતો અને હિતેશ બૅન્ક અધિકારી બનીને સાઇટ વિઝિટ કરતો હતો. મુખ્ય વોન્ટેડ આરોપી દીપક મોટી હૉટેલોમાં બાઉન્સર લઇને આવતો અને લોન ઇચ્છુકો સાથે મુલાકાત કરતો હતો. ગુના શાખા યુનિટ 11ને બે આરોપીઓની ધરપકડ થતાં 10થી 12 ગુનાનો ઉકેલ લાવવામાં સફળતા મળી છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust