ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ માટે 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ માટે પંદર દિવસમાં ટેન્ડર મગાવવામાં આવશે, એવી માહિતી ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ (ડીઆરપી)ના મુખ્ય કાર્યકારી અધિકારી એસ. વી. આર. શ્રીનિવાસે આપી હતી.  આ અગાઉ પ્રકલ્પ માટે ત્રણ વખત ટેન્ડર મગાવવામાં આવ્યા હતા, પરંતુ છેવટે તે રદ કરવામાં આવ્યા હતા. તેથી આ પ્રકલ્પ માટે અૉક્ટોબરમાં ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે. 
રાજ્ય સરકારે 2004માં 557 એકર જમીન પર વસેલી ધારાવી ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવા માટે ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ હાથ ધર્યો હતો. આ પ્રકલ્પ માટે સૌથી પહેલા 2009માં, 2016માં ટેન્ડર મગાવવામાં આવ્યા હતા, પરંતુ અમુક સમસ્યાને કારણે તે રદ કરાયા હતા. 
2018માં રાજ્ય સરકારે મ્હાડા પાસેથી સેક્ટર-પાંચ કાઢીને પાંચ સેક્ટરનો એકસાથે પુનર્વિકાસ કરવા માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ ટેક્નિકલ સમસ્યાને કારણે તે પણ રદ કરાયા હતા. 
આ રખડી પડેલા પ્રકલ્પને ફરી માર્ગે લગાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આગામી પંદર દિવસમાં વૈશ્વિક સ્તરે ટેન્ડર બહાર પાડવામાં આવશે, એવી માહિતી શ્રીનિવાસે આપી હતી. આ ટેન્ડરમાં રેલવેની જગ્યાનો પણ સમાવેશ હશે અને અમુક ફેરફાર પણ કરવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust