નવરાત્રિ પંડાલને લઈને મીરા રોડમાં ઘમસાણ

ભાજપ નગરસેવક દિનેશ જૈન પર જનતાનો આક્રોશ
જીતેશ વોરા તરફથી
ભાયંદર, તા. 22 : મીરા રોડના શાંતિનગરના સેક્ટર 3માં છેલ્લા 25 વર્ષથી સાર્વજનિક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે મંડળના અધ્યક્ષ ગણેશ પુરાણકર અને સચિવ મિલન ભટ્ટ છે. છેલ્લા 25 વર્ષથી આસપાસની તમામ સોસાયટીના લોકો અહીં ગરબા રમવા માટે આવે છે અને કોઈપણ રાજકીય મધ્યસ્થી વગર અહીં સાર્વજનિક ગરબા રમાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અન્ય લોકો સાથે ભાજપાના માજી નગરસેવક દિનેશ જૈન પણ આ નવરાત્રિ મંડળને સહયોગ કરતા આવ્યા છે. મંડળના સચિવ મિલન ભટ્ટના અનુસાર આટલા વર્ષમાં ક્યારેય નવરાત્રિ માટે અડચણ પડી નથી, પરંતુ આ વખતે ચૂંટણીના પડઘમ વાગતાં જ એનો ફાયદો ઉપાડવા નવરાત્રિની પરમિશન મંડળ લેવા જાય તેના પહેલાં જ એ જ મેદાન માટે પોતાના અંગત નામ પર પરમિશન કઢાવી લીધી છે અને પોતાના બેનર પર ગરબા કરાવી રાજકીય ફાયદો ઉપાડવા માગે છે. આ બાબતે સ્થાનીય લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. આ બાબતે આયોજક મંડળે પોલીસ આયુક્ત સદાનંદ દાંતે પાસે ફરિયાદ કરી દિનેશ જૈનની પરમિશન કેન્સલ કરી 25 વર્ષથી આયોજન કરતા મંડળને પરમિશન આપવા માગણી કરી છે. પોલીસ આયુક્તે આ બાબતે ઉપયુક્ત અમિત કાલેને વિગતવાર તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું છે. આસપાસની સોસાયટીના લોકોનું કહેવું છે કે ગરબા કેન્સલ થશે તો પણ એકવખત ચાલશે પણ અમે નવરાત્રિનું રાજકારણ કરવા નથી માગતા. ખરેખર તો 25 વર્ષથી અમે આ સાર્વજનિક નવરાત્રિ કરીયે છીએ એટલે આ માટેની મંજૂરી અમને જ મળવી જોઈએ.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust