મહારાષ્ટ્ર એટીએસ દ્વારા 12 જિલ્લામાં દરોડા

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા 12 જિલ્લામાં દરોડા
પીએફઆઈ સાથે સંકળાયેલા 20 જણની ધરપકડ
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર એન્ટી ટેરરીઝમ સ્કવોડ (એટીએસ)એ રાજ્યના 12 જિલ્લાઓમાં જેમાં મુંબઈ, થાણે, નવી મુંબઈનો સમાવેશ થાય છે ત્યાં દરોડા પાડયા હતા અને પોપ્યુલર ફ્રન્ટ અૉફ ઇન્ડિયા (પીએફઆઈ) સાથે સંકળાયેલા 20 જણની ધરપકડ કરી હતી. તેમની અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
આ દરમિયાન પીએફઆઇના પાંચ કાર્યકરને કોર્ટે એટીએસની પાંચ દિવસની કસ્ટડી ફટકારી હતી.
આ દરોડા આજે સવારના પાડવામાં આવ્યા હતા અને પીએફઆઈના 20 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ, સમુદાયોમાં વૈમનસ્ય ફેલાવવા અને સરકાર સામે યુદ્ધે ચડવા કાવતરાં ઘડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ રાજ્યના એટીએસ અધિકારીએ જણાવ્યું હતું.
આ દરોડાઓ ઔરંગાબાદ, પુણે, કોલ્હાપુર, બીડ, પરભણી, નાંદેડ, જળગાંવ, જાલના, માલેગાંવ, નવી મુંબઈ, થાણે અને મુંબઈમાં પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધી પ્રગત પુરાવાના આધારે મુંબઈ, નાસિક, ઔરંગાબાદ અને નાંદેડ જિલ્લાઓમાં ચાર કેસ કરવામાં આવ્યા છે.
શકમંદોની સામે કલમ 120 (બી) (ક્રિમિનલ કાવતરું), 121 (એ) અપરાધિક બળથી કેન્દ્ર અને રાજ્ય સરકારને પાડી દેવા કાવતરું ઘડવું, 153 (એ) (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષાના આધારે બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવી અને કલમ 13 (1) (બી) હેઠળ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસમાં વધુ કડીઓ મેળવવા શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની આગેવાની હેઠળ સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈના કાર્યકર્તાઓની કાં તો અટક કરવામાં આવી હતી અથવા તો ધરપકડ કરવામાં આવી હતી.
દેશભરમાં પીએફઆઈના અનેક ડઝન કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. કેરળમાં સૌથી વધુ 22, મહારાષ્ટ્રમાં 20, કર્ણાટકમાં 20, તામિલનાડુમાં 10, આસામમાં 9, ઉત્તર પ્રદેશમાં 8, આંધ્ર પ્રદેશમાં 5, મધ્યપ્રદેશમાં 4, દિલ્હીમાં 3, પોંડિચેરીમાં 3 અને રાજસ્થાનમાં બેની ધરપકડ કરાઈ હતી.
કોલ્હાપુરમાં અબ્દુલ મૌલાની ધરપકડ; ઔરંગાબાદમાં પીએફઆઇનું કાર્યાલય સીલ
મહારાષ્ટ્ર એટીએસે આજે પોપ્યુલર ફ્રંટ અૉફ ઇન્ડિયા (પીએફઆઇ)ના 20 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓએ દેશ વિરુદ્ધ યુદ્ધ અને સમાજ વચ્ચે વૈમનસ્યને પ્રોત્સાહન આપતી ગેરકાયદે ગેરરીતિઓમાં સામેલ શંકાસ્પદો વિરુદ્ધ 11 રાજ્યોમાં છાપેમારીની કાર્યવાહી ગુરુવારથી શરૂ કરી છે. તે દરમિયાન મહારાષ્ટ્રમાં એટીએસે ધરપકડ કરી છે. એટીએસે પીએફઆઇ સંગઠના જળગાંવના કાર્યાલયો ઉપર દરોડા પાડયા હતા અને અહીંથી સોશિયલ મીડિયાનાં કામની દેખરેખ કરતા અબ્દુલ હાદી ઉર્ફ અબ્દુલ રઉફની ધરપકડ કરી હતી. 
જાલનામાં અબ્દુલ હાદી, પીએફઆઇના સોશિયલ મીડિયાનાં કામની દેખરેખ કરતો હતો. હાદી ગત કેટલાક વર્ષથી સંગઠન સાથે જોડાયેલો છે. ત્રણ અન્યોની ઔરંગાબાદથી ધરપકડ કરાઇ છે, જેમાં સૈયદ ફૈઝલ શેખ ઇરફાન અને બીજાપુરમાં રહે છે. પરવેઝ ખાનનો સમાવેશ થાય છે. એટીએસે ત્રણ જણની પીએફઆઇના ઔરંગાબાદ કાર્યાલયમાંથી ધરપકડ કરી છે અને તેમના કાર્યાલયને સીલ કરી દીધું છે. અહીંથી એટીએસે કેટલાક જરૂરી દસ્તાવેજો, લેપટોપ અને મોબાઇલ ફોન્સ જપ્ત કર્યા છે. કોલ્હાપુરમાં છાપેમારી દરમિયાન પીએફઆઇના પદાધિકારી અબ્દુલ મૌલાની ધરપકડ કરી છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust