હિજાબ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામત

હિજાબ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામત
મેરેથોન સુનાવણી બાદ 
નવી દિલ્હી, તા. 22 : કર્ણાટક હાઈકોર્ટ તરફથી શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ ઉપર પ્રતિબંધના ચુકાદાને પડકારતી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. અદાલતે 10 દિવસ સુધી મામલાની મેરેથોન સુનાવણી કરી હતી અને હવે ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની ખંડપીઠે કેસની સતત સુનાવણી કરી છે અને આ દરમિયાન બન્ને પક્ષની દલીલો સાંભળી છે. સતત 10મા દિવસે બન્ને પક્ષ વચ્ચે જોરદાર દલીલ જોવા મળી હતી અને કટ્ટરવાદી સંગઠન પીએફઆઈનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
સોલિસિટર જનરલ તરફથી આ કેસમાં પીએફઆઈની સાજીશની પણ વાત કરવામાં આવી હતી. આ દલીલ ઉપર છાત્રાઓના વકીલ દુષ્યંત દવે અને હુઝેફા અહમદીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલામાં પીએફઆઈનો કોઈ મતલબ નથી અને તેનો ઉલ્લેખ કેસને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવે છે. એવો કોઈ પુરાવો નથી જેનાથી પીએફઆઈની ભૂમિકા સામે આવે. અરજકર્તાઓએ સુનાવણીમાં કહ્યું હતું કે, આ મામલો ટ્રિપલ તલાક અને ગૌહત્ય જેવો નથી. હિજાબનો કુરાનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવો જવાબદારી માનવામા આવી છે.
આટલું જ નહી છાત્રાઓના વકીલે હિજાબને મુળ અધિકાર ગણાવ્યો હતો. જેનાથી કોઈની આઝાદી ઉપર અસર પડતી નથી તેમ પણ કહ્યું હતું. બીજી તરફ કર્ણાટક સરકારનો પક્ષ રજૂ કરી રહેલા વકીલોએ કહ્યું હતું કે, કેસને ધર્મના દ્રષ્ટિકોણથી ધ્યાને લેવો જોઈએ નહી. આ મામલો શૈક્ષણિક સંસ્થાનોમાં સામાન્ય અનુશાસન સંબંધિત છે. હિજાબ કોઈ ધર્મમાં અનિવાર્ય છે કે નહી તેનાથી શાળાને કોઈ લેવાદેવા નથી. 
હિજાબના વિરોધમાં ઈરાનની મહિલાઓ મેદાનમાં: અથડામણોમાં 31નાં મૃત્યુ
એકબાજુ ભારતમાં કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબની મનાઈની ખિલાફ કાનૂની લડાઈ ચાલી રહી છે. ત્યારે બીજીબાજુ ઈસ્લામિક દેશ ઈરાનની મહિલાઓએ હિજાબની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન છેડી દીધું છે. જેમાં અનેક ઠેકાણે સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો પણ થઈ રહી છે અને અત્યાર સુધીમાં તેમાં 31 લોકોનાં મૃત્યુ થઈ ગયા છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust