આજથી ક્રિકેટના નિયમોમાં ફેરફાર

આજથી ક્રિકેટના નિયમોમાં ફેરફાર
અૉસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વ કપ નવા નિયમ સાથે રમાશે
દુબઈ, તા. 30 : દડાને ચમકાવવા માટે આઇસીસીએ લારનો ઉપયોગ કરવા પર આઇસીસીએ અગાઉ જ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ક્રિકેટના બીજા કેટલાક નિયમમાં આઇસીસીએ ફેરફાર કર્યા છે. જે તા. 1 ઓક્ટોબરથી લાગુ પડશે. જેનો મતલબ એ થયો કે આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપ નવા નિયમો અનુસાર રમાશે. આઇસીસીએ બોલિંગ એન્ડ તરફથી નોન સ્ટ્રાઇકરને રનઆઉટ કરવા માટે અનુચિત રમતમાંથી હટાવીને રનઆઉટ કેટેગરીમાં સામેલ કર્યો છે. ભારતના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની વડપણ હેઠળની આઇસીસી ક્રિકેટ કમિટીએ આ નિયમોના ફેરફારની ભલામણ કરી હતી. જેને બહાલી આપીને આઇસીસીની મુખ્ય કાર્યકારી સમિતિએ આજે નવી નિયમાવલીને જાહેર કરી છે.
આઇસીસીની યાદીમાં જણાવાયું છે કે બેટ્સમેન કેચઆઉટ થવાની સ્થિતિમાં નવો બેટ્સમેન સ્ટ્રાઇક પર આવશે. બન્ને ક્રોસ થયા હશે તો પણ સ્ટ્રાઇક બદલાશે નહીં, જ્યારે નવા બેટધરે સ્ટ્રાઇક માટે ટેસ્ટ અને વન ડેમાં બે મિનિટનો સમય મળશે જ્યારે ટી-20માં આ સમયસીમા 90 સેકન્ડની રહેશે. પિચની બહાર પડેલ બોલને અમ્પાયર નો-બોલ જાહેર કરી શકશે. જો કોઈ બોલર બોલ ફેંકતી વખતે જાણી જોઈને હરકત કરશે તો તે એ બોલ ડેડ બોલ જાહેર થશે અને બેટિંગ ટીમને પાંચ રન પેનલ્ટીના મળશે. ટી-20ની માફક વન ડેમાં પણ સમયસીમામાં ઓવર કવોટા પૂરા ન કરવા પર ફિલ્ડિંગ ટીમે એક વધારાના ફિલ્ડર 30 ગજના ઘેરાની અંદર રાખવાનો રહેશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust