ટી-20 વિશ્વ કપ વિજેતા ટીમને ટ્રૉફી સાથે 13.5 કરોડ રૂપિયાનું ઇનામ મળશે

ટી-20 વિશ્વ કપ વિજેતા ટીમને ટ્રૉફી સાથે 13.5 કરોડ રૂપિયાનું ઇનામ મળશે
ઉપવિજેતાને 6.5 કરોડ : આઇસીસીએ પ્રાઇઝ મની જાહેર કરી
દુબઈ, તા. 30 : ઓસ્ટ્રેલિયામાં ઓકટોબર-નવેમ્બરમાં રમાનાર ટી-20 વિશ્વ કપની ઇનામી રકમ આજે આઇસીસીએ જાહેર કરી છે. આ વખતે પણ ગત વિશ્વ કપ જેટલી જ 13.5 કરોડ રૂપિયા વિજેતા ટીમને ટ્રોફી સાથે મળશે. જયારે ઉપવિજેતા ટીમને લગભગ 6.5 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. સેમિ ફાઇનલની અન્ય બે ટીમના ફાળે 3.25 કરોડ રૂપિયાની રકમ આવશે. ટૂર્નામેન્ટની કુલ પુરસ્કાર રાશી 45.5 કરોડ રૂપિયાથી વધુ છે. સેમિ ફાઇનલમાંથી બહાર થનાર બાકીની તમામ 8 ટીમને 56.9 લાખ રૂપિયા મળશે. 
આઇસીસી ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ ઓસ્ટ્રેલિયામાં 16 ઓકટોબરથી થઇ રહ્યો છે. શરૂમાં આ ટૂર્નામેન્ટ 16 ટીમ વચ્ચે બે રાઉન્ડમાં રમાશે. નામીબિયા, શ્રીલંકા, નેધરલેન્ડસ, યૂએઇ એ ગ્રુપમાં છે. જયારે વેસ્ટ ઈન્ડિઝ, આયરલેન્ડ, ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ ગ્રુપ બીમાં છે. જેમાંની ટોચની ચાર ટીમ સુપર-12 રાઉન્ડમાં પહોંચશે. આ ગ્રુપની કોઇ પણ મેચની વિજેતા ટીમને લગભગ 32.5 લાખ રૂપિયા મળશે. સુપર-12 રાઉન્ડમાં પણ પ્રત્યેક મેચની જીત પર 32.5 લાખ મળશે.
આઇપીએલની ચૅમ્પિયન ટીમથી સાત કરોડ ઓછા
આઇસીસી ટી-20 વિશ્વ વિજેતા ટીમને ટ્રોફી સાથે 13.5 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું છે. જે આઇપીએલની ચેમ્પિયન ટીમને મળતા ઇનામથી લગભગ સાત કરોડ રૂપિયા ઓછા છે. બીસીસીઆઇ દ્વારા આઇપીએલની ચેમ્પિયન ટીમને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવે છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust