શક્તિકાંત દાસની પ્રોત્સાહક ટિપ્પણીને સર્વત્ર આવકાર

શક્તિકાંત દાસની પ્રોત્સાહક ટિપ્પણીને સર્વત્ર આવકાર
અમારા પ્રતિનિધી તરફથી 
મુંબઈ, તા. 30 : યુએસ ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલના ધારણાથી વધુ આક્રમક વલણને પગલે ભારતીય બજારો છેલ્લાં છ સત્રોથી ખરડાયા પછી શુક્રવારે રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસની `મૈ હૂં ના' નાણાનીતિ રજૂ થયા બાદ તેજીવાળાઓ ફરી એક્શનમાં આવ્યા હતા. બૅન્કો અને ફાઇનાન્શિયલ્સ શૅરોમાં તેજીનો કરન્ટ આવતા સેન્સેક્ષ અને નિફ્ટી ફરીથી ઉછળ્યા હતા. વ્યાજદરમાં અડધા ટકાનો વધારો ધારણા પ્રમાણેનો છે. તે સાથે દાસે દેશના વિકાસ માટે કરેલી સકારાત્મક ટિપ્પણી અને વર્ષ 2023 માટે ફૂગાવાના દરનો 6.7 ટકાનો અંદાજ તથા જીડીપી વૃદ્ધિ સાત ટકાએ થવાનું અનુમાન સકારાત્મક રહ્યાં છે.  
શૅરબજારે નાણાનીતિને વધાવી તેમ એનલિસ્ટે પણ દાસની નિતીના વખાણ કર્યા છે.  
ગવર્નરની `મૈ હું ના' નીતિ, નિલેશ શાહ, ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનાજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્ર એએમસી : રિઝર્વ બૅન્કે ફુગાવો, વિકાસ અને સ્થિરતા વચ્ચે સંતુલન સાધવા માટે `મૈ હું ના' નીતિ આપી છે. તે પ્રતિકૂળ બાલિંગ સામે મુશ્કેલ પિચ પર બાટિંગ કરી રહી છે. 
ઝડપથી બગડતી વૈશ્વિક સ્થિતિ, વ્યવસ્થિત પ્રવાહિતા અને ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો, ફુગાવાનું દબાણ અને વૃદ્ધિની ચિંતા રિઝર્વ બૅન્કની કસોટી કરી રહી છે. અત્યાર સુધી રિઝર્વ બૅન્ક થોડીક ચૂક કરી ગઈ હતી. સૌથી મહત્વની બાબત એ છે કે તેણે વિકેટ નહીં ગુમાવતા સ્કોરબોર્ડને આગળ ધપતું રાખ્યું છે. જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે તેનો સામનો કરવા માટે રિઝર્વ બૅન્કે ત્વરિત અને ડેટા આધારિત પગલા લીધા છે. વૈશ્વિક સ્તરે જે ઝંઝાવાત છે તેમાં ટકી રહેવા બજાર સુરક્ષિત હાથોમાં છે તેવી ખાતરી તેણે
આપી છે.  
દેશ વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે તેની પુષ્ટિ - ડૉ. વી કે વિજયકુમાર, ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસ :  નબળી પડી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને મંદીવાળા ઇક્વિટી બજારોમાં ભારતની સ્થિતિ સ્થાપકતા અને આઉટ પરફોર્મન્સ આર્થિક સ્તરે અને બજારમાં પ્રબળ રીતે ચર્ચા રહ્યાં છે. ગવર્નરનું વલણ ભારત સ્થિર રીતે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે તે બાબતને પુન:પુષ્ટિ આપે છે. બાકીના વર્ષ માટે ક્રૂડનો ભાવ 100 ડૉલરે પહોંચે તો પણ કરન્ટ એકાઉન્ટ ખાધને આરામથી ફાઈનાન્સ કરી શકાશે તેવું આત્મવિશ્વાસભર્યું નિવેદન આશ્વાસન આપનારું છે. બજાર માટે આ સકારાત્મક છે. 
અરુણ કુમાર, રિસર્ચ હેડ, ફંડ્સ ઈન્ડિયા :  યુએસ ફેડ દ્વારા આક્રમક દર વૃદ્ધિ, ભારતીય અને યુએસ બોન્ડ યીલ્ડ વચ્ચેનો નીચો પ્રેડ અને યુએસ ડોલર મજબૂત બનતા રિઝર્વ બૅન્ક ડિસેમ્બરમાં રેપો રેટને 6.25 ટકાની નજીક લઈ જવા માટે 25-35 બીપીએસનો વધુ એક દર વધારો કરશે એવી ધારણા છે. ત્યારબાદ, વધારો થોભાવશે અને ભાવિ માર્ગ વધતા મેક્રો ડેટા પર નિર્ભર રહેશે. 
ધારણા પ્રમાણેની નાણા નીતિ - ઉપાસના ભારદ્વાજ, ચીફ ઈકોનોમિસ્ટ, કોટક મહિન્દ્ર બૅન્ક : રેપો પોલિસી રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સની વૃદ્ધિ ધારણાને અનુરૂપ છે. વૈશ્વિક પ્રતિકૂળ પરિસ્થિતિઓને જોતાં રૂપિયા પરના દબાણથી સાવચેત રહીને દરમાં સતત વધારો કરવાની જરૂર છે. ડિસેમ્બરની નાણાનીતિમાં 35 બીપીએસ વૃદ્ધિની ધારણા છે. જોકે, ચોથા ત્રિમાસિકમાં ફુગાવો છ ટકાની મર્યાદાની રહેશે તો વ્યાજદર વૃદ્ધિ થોભાવશે અને નાણાકીય સખ્તાઈની પાછળ રહેલી અસરનું મૂલ્યાંકન કરશે તેવી ધારણા છે. 
અજીત કાબી, બાકિંગ એનલિસ્ટ, એલકેપી સિક્યોરિટીઝ : ફુગાવાના આકરા પડકારને ધ્યાનમાં રાખીને રેપો દર વધારવાનું પગલું આવકારદાયક છે. દરમાં વૃદ્ધિ અપેક્ષિત હતી.  
સંતુલિત ગાઈડન્સ - રિતિકા છાબરા, ઈકોનોમિસ્ટ અને ક્વોન્ટ એનલિસ્ટ, પ્રભુદાસ લીલાધર : મધ્યસ્થ બૅન્કે વૈશ્વિક આર્થિક અને નાણાકીય વાતાવરણમાં વધતી અસ્થિરતાના જોખમો સાથે સ્થિતિ સ્થાપક સ્થાનિક આર્થિક વૃદ્ધિ ચાલુ રાખવા પર ભાર મૂકતા ખૂબ જ સંતુલિત ગાઈડન્સ આપ્યું છે. 
લોન મોંઘી થશે - અધિલ શેટ્ટી, સીઈઓ, બૅન્કબઝાર.કોમ : ફ્લાટિંગ દરે હોમ, કાર, પર્સનલ અને એજ્યુકેશન લોન લેનારા માટે તે વધુ મોંઘી બનશે. નવા લોન લેનારાઓએ ગયા સપ્તાહની સરખામણીએ વધુ ઊંચા દરે લોન લેવી પડશે. 
નાણાનીતિ આગળ જતાં વધુ કડક થવાના સંકેત - ચર્ચિલ ભટ્ટ, એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ડેબ્ટ ફંડ મેનેજર, કોટક મહિન્દ્ર લાઈફ ઈન્સ્યોરન્સ: પોલિસી રેટમાં વૃદ્ધિ થવા છતાં, પોલિસીનું વલણ `િવડ્રોવલ એકોમોડેશન' તરીકે રહે છે. આનાથી એવું માનવામાં આવે છે કે સ્થાનિક ફુગાવાની પરિસ્થિતિના પ્રકાશમાં મધ્યસ્થ બૅન્ક નીતિગત દર કડક બનાવવાનું ચાલુ રાખશે. જોકે, વિશ્વના મોટા ભાગના લોકો જે સામનો કરી રહ્યા છે તેની સરખામણીમાં ભારતની ફુગાવાની સમસ્યા ઘણી વધુ સૌમ્ય અને વ્યવસ્થિત છે. 10-વર્ષના સરકારી બોન્ડ નજીકના ગાળામાં 7.25 -7.50 ટકાના દરમાં ટ્રેડ કરશે એવી ધારણા છે.  
સ્થાનિક પરિબળો દ્વારા પ્રેરિત વલણ - અમર અંબાણી, હેડ - ઈન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ, યસ સિક્યોરિટીઝ: રિઝર્વ બૅન્કનું વલણ સ્થાનિક પરિબળો દ્વારા વધુ પ્રેરિત છે, તેમ છતાં, ફેડ દ્વારા દરમાં આક્રમક વધારાની વર્તમાન સ્થિતિ અને ત્યારબાદ રૂપિયાનું અવમૂલ્યન રિઝર્વ બૅન્કને યુએસમાં વ્યાજદરની ચાલને નજીકથી અનુસરવા માટે દબાણ કરશે. રિઝર્વ બૅન્ક ડિસેમ્બરમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરે તેવી શક્યતા છે. 
આંતરિક-બાહ્ય સમતુલા માટેનું પગલું - અનંત સિંઘાનિયા, પ્રમુખ, આઈએમસી ચેમ્બર 
ઓફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી : રેપો રેટનો વધારો ઉદ્યોગની અપેક્ષા અનુસારનો છે. વિશ્વની અન્ય મધ્યસ્થ બૅન્કોની નીતિને ધ્યાનમાં રાખીને નક્કર આંકડાઓને આધારે આંતરિક અને બાહ્ય સમતુલા જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. અંદાજિત વિકાસદરમાં કરાયેલો 0.20 ટકાનો ઘટાડો પણ વૈશ્વિક મંદીની સંભાવનાને અનુરૂપ છે.  
પ્રિતમ ચિવુકુલા, સહ-સ્થાપક અને ડિરેક્ટર, ત્રિધાતુ રિયલ્ટી અને ટ્રેઝરર, ક્રેડાઈ : એમસીએચઆઈ: ટૂંકા ગાળામાં વ્યાજદરમાં સળંગ વૃદ્ધિ ઘર ખરીદનારાના વલણ ઉપર અસર કરશે, કારણકે ઓછા વ્યાજદરની સ્થિતિ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ફરી વેગવંતુ બનાવવા માટેનું મુખ્ય પરિબળ છે. તહેવારોમાં ખરીદીના વલણને વેગ આપવા માટે રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરીને ઘર ખરીદનારાની વહારે આવશે એવી આશા છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust