અઢી દાયકામાં ભારત વિકસિત રાષ્ટ્ર : મોદી

બનાસકાંઠામાં રૂા. 6909 કરોડનાં વિકાસ કાર્યો, આવસો અર્પણ
અમારા પ્રતિનિધિ તરફથી,  
અમદાવાદ,તા.30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં રૂ. 6909 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. ત્યારબાદ અંબાજીમાં જંગી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પોની સિદ્ધિ માટે શક્તિ મળશે, તાકાત મળશે. 25 વર્ષમાં આપણે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશું. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાન ગૌ માતા પોષણ યોજના અંતર્ગત વડાપ્રધાન મોદીએ પ્રતિકાત્મક રૂપે ગૌ સેવા સંચાલકોને ચેક પણ અર્પણ કર્યા હતા.  
નારી શક્તિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આખાં વિશ્વમાં સંતાનો પિતાને નામે ઓળખાય છે. એક ભારત એવો દેશ છે જ્યાં અર્જુન પાર્થ એટલે કે પૃથા-કુંતીના પુત્ર તરીકે જાણીતા છે. હનુમાનજી અંજનીપુત્ર તરીકે ઓળખાય છે. કૃષ્ણ દેવકી નંદન તરીકે ખ્યાત છે. આપણે પોતે પણ મા ભારતીના સંતાન છીએ.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી મહાન સંસ્કૃતિ સાથે આપણે જોડાયેલા છીએ તેમ છતા ઘરની સંપત્તિ પર ઘરના આર્થિક નિર્ણયો પર પિતા અને પુત્રનો હક્ક રહ્યો છે. અમે નક્કી કર્યું, પ્રધાનમંત્રી આવાસ આપીશું તેમાં માતાનું પણ નામ હશે. એટલે 2014 બાદ અમે નિર્ણય લીધો અમે જે મકાન આપીશું તે માતા અથવા માતા-પુત્ર સંયુક્ત નામ પર હશે. 45000થી વધુ ઘરોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત સાથે 61 હજાર લાભાર્થીઓ છે. આ તમામ લાભાર્થીઓને શુભકામનાઓ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે,  આ વખતે આ સૌની દિવાળી નવા ઘરમાં મનાવશે. પોતાના ઘરમાં મનાવી શકશો.
વડાપ્રધાને કહ્યુ  બનાસકાંઠામાં ક્યારેય દાડમ, દ્રાક્ષની ખેતી થશે એ થોડા વર્ષો પહેલા કોઈ વિચારી પણ નહોંતુ શક્તુ. ખેડૂતોને આ રેલવે લાઈનનો વિશેષ લાભ મળશે. આવનારા સમયમાં વિશેષ કિસાન ટ્રેન અહીંથી શરૂ થશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના મારા મુખ્ય પ્રધાનના સમયગાળા દરમિયાન સરકારે દુનિયાભરમાં જ્યાં જ્યાં મા અંબાનું સ્થાન છે તેની પ્રતિકૃતિ અહીં બનાવી છે. આથી દેશના 51 શક્તિપીઠોના દર્શન અહીં થઈ જાય છે. અંબાજી આવવાથી જ શક્તિપીઠના દર્શન થઈ જશે. આજે ગબ્બરતિર્થના વિકાસનું કામ પણ નિર્માણાધિન છે. ડીસામાં એરફોર્સ સ્ટેશનમાં રન-વે અને અન્ય ઇન્ફ્રા. બનતા વાયુસેનાની તાકાત વધશે. જ્યારે આટલ મોટુ એરફોર્સ સ્ટેશન અહી બની રહ્યુ છે ત્યારે તેની આસપાસના કારોબાર પણ વધશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નોરતાના પાચમાં દિવસે આદ્યશક્તિ અંબાજીના દ્વારે વિવિધપ્રકલ્પોનુ લોકાર્પણ કરવા આવ્યા છે તેમાં ગુજરાતમા વિકાસકાર્યોની ગતિ અને સંકલ્પશક્તિ આજના કાર્યક્રમનથી ઉજાગર થઇ રહ્યા છે. વડાપ્રધાન પ્રધાન પ્રધાન આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તથા આંબેડકર આવાસ જેવી યોજનાઓના રૂ. 1800 કરોડના કુલ 53 હજાર જેટલા નવા આવાસોનું લોકાર્પણ કર્યુ છે. તેમજ 116 કરોડના 8600 આવાસોનું ખાતમૂહુર્ત કર્યુ હતું.  વડાપ્રધાન 6208 ગામોમાં ગૃહપ્રવેશ કરાવ્યો હતો.આ અગાઉ નરેન્દ્ર મોદીનો બનાસકાંઠાના હેલિપેડથી ક્રાર્યક્રમ સ્થળ સુધી 8 કિ.મી. સુધી ખુલ્લી જીપમાં રોડ શો યોજાયો હતો. વડાપ્રધાન મોદીની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાયા હતા.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust