હૉટેલ રૂમમાં મોડેલની આત્મહત્યા : પોલીસને સ્યુસાઇડ નોટ મળી

હૉટેલ રૂમમાં મોડેલની આત્મહત્યા : પોલીસને સ્યુસાઇડ નોટ મળી
મુંબઈ, તા. 30 (પીટીઆઇ) : અંધેરીના વર્સોવામાં 30 વર્ષીય મોડેલે હૉટલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી છે. અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ આકાંક્ષા મોહન તરીકે થઇ છે અને મૃતદેહ બુધવારે મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આકાંક્ષા માનસિક તાણમાં હતી કારણ કે સ્યુસાઇડ નોટમાં લખાયું હતું કે તે ખુશ નથી અને તેને માનસિક શાંતિ જોઇતી હતી. વર્સોવા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી અનુસાર હૉટેલ મેનેજરે જણાવ્યું હતું કે કર્મચારીએ રૂમનો દરવાજો ખટખટાવતા મોડલે દરવાજો ખોલ્યો ન હતો. મોડલ લોખંડવાલાની યમુના નગર સોસાયટીમાં રહેતી હતી અને બુધવારે એક વાગ્યે હૉટેલમાં ચેક ઇન કર્યું હતું તથા તેણે પોતાને રૂમમાં બંધ કરી નાખી હતી. તે સતત કામની શોધમાં હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૂમમાં પંખા ઉપર તેનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં લખ્યું હતું કે મને માફ કરજો, કોઇપણ આ ઘટના માટે જવાબદાર નથી. હું ખુશ નથી. મને શાંતિ જોઇએ છે. આ મામલે વર્સોવા પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust