કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગેનો મુકાબલો

કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગેનો મુકાબલો
આનંદ કે. વ્યાસ તરફથી
નવીદિલ્હી,તા.30: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં રોજ નવા રોચક અને નાટકીય વળાંકો આવી રહ્યાં છે. અશોક ગહેલોતની બાદબાકી પછી દિગ્વિજય સિંહ તેમનાં સ્થાને ચૂંટણી લડે તેવી સંભાવના દેખાતી હતી પણ આજે દિગ્વિજયનું નામ પણ બાજુએ રહી ગયું હતું અને મલ્લિકાર્જુન ખડગેએ નામાંકન દાખલ કર્યુ છે. આ ઉપરાંત શશિ થરૂરે પણ પોતાની ઉમેદવારી આજે નોંધાવી દીધી હતી. આશ્ચર્યજનક ઢબે ઝારખંડ કોંગ્રેસનાં નેતા કે.એન.ત્રિપાઠીએ પણ નામાંકન કરાવતા આખરે પક્ષની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાયું હતું. જેમાં આ ચૂંટણી ત્રિપાંખીયો જંગ બની રહેવાનાં આસાર નજરે પડે છે. 
થરૂરે આજે બપોરે કોંગ્રેસની કારોબારી કચેરીએ જઈને પોતાની ઉમેદવારી દાખલ કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ખડગેનું સન્માન કરે છે અને જો વધુ લોકો ઉમેદવારી નોંધાવે તો પક્ષનાં લોકોને વધુ વિકલ્પો ઉપલબ્ધ બનશે. 
મેં કોઈને નીચા બતાવવા ઉમેદવારી નથી નોંધાવી. આપણે એકસાથે મળીને કામ કરવાની આવશ્યકતા છે. મને તો ખડગે અમારા પક્ષનાં ભીષ્મ પિતામહ સમાન લાગે છે.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ખડગેએ પણ આજે જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમનાં પ્રસ્તાવકોમાં અશોક ગહેલોત, દિગ્વિજયસિંહ, પ્રમોદ તિવારી, પી.એલ.પુનિયા, એ.કે.એન્ટની, પવનકુમાર બંસલ, મુકુલ વાસનિક ઉપરાંત પક્ષનાં અસંતુષ્ઠ ગણાતા જી-23 જૂથનાં આનંદ શર્મા, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, પૃથ્વીરાજ ચ્વહાણ, કુમારી શૈલજા, અનિલ ચૌધરી અને મનીષ તિવારી પણ શામેલ હતાં. તિવારીએ કહ્યું હતું કે, ખડગે પક્ષનાં સૌથી અનુભવી નેતાઓ પૈકી છે અને દલિત ચહેરો પણ છે. આમ ખડગે કોંગ્રેસનાં અસંતષ્ઠ નેતાઓમાં પણ સ્વીકૃતિ ધરાવતા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું.
ઝારખંડ કોંગ્રેસનાં નેતા કે.એન.ત્રિપાઠીએ પણ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેણે નામાંકન પછી કહ્યું હતું કે, પક્ષનાં નેતાઓનાં ફેંસલાનું સન્માન કરવું જોઈએ. કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર છે. એક કિસાનનો પુત્ર પણ પક્ષની અધ્યક્ષતા માટે ચૂંટણી લડી શકે છે. ભાજપમાં આવું સંભવ નથી.
બીજીબાજુ મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ પણ આજે જ પક્ષ પ્રમુખની ચૂંટણીમાંથી ખસી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, તેઓ ઉમેદવારી નહીં નોંધાવે પણ પોતાનાં સહયોગી મલ્લિકાર્જુન ખડગેનાં પ્રસ્તાવક બન્યા છે. 
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust