ફેડ મિનિટ્સની રાહે સોનામાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 : ફેડરલ રિઝર્વની પાછલી બેઠકની મિનિટસની જાહેરાત બુધવારે થાય એ પૂર્વે મોટાભાગના ટ્રેડરો બજારથી દૂર થવા લાગતા સોનાના ભાવ પર ફરી દબાણ આવ્યું હતુ. નવેમ્બરની બેઠક પરથી આવનારા દિવસોમાં ફેડની નાણાંનીતિની આગળની ચાલનો ખ્યાલ આવે એમ છે. ન્યૂ યોર્કમાં આ લખાય છે ત્યારે સોનાનો ભાવ 1736 ડૉલર અને ચાંદીનો ભાવ 21.09 ડૉલર હતો. 
સીએસી માર્કેટની નોંધ પ્રમાણે ફેડની મિનિટસ પહેલા હવે બજારમાં કોઇને રસ નથી. આવનારા દિવસોમાં વ્યાજદરો સોનાના ભાવ પર ઊંડો પ્રભાવ પાડશે એવું માનવામાં આવે છે એટલે જ સાવચેતીનું વલણ દેખાય છે. અમેરિકાના ડ્યૂરેબલ ગુડઝના વેચાણના આંકડાઓ પણ બુધવારે જાહેર થવાના છે અને વિકલી જોબલેસ ક્લેઇમના આંકડાઓ પણ આવશે એટલે બજારમાં ગભરાટ વધ્યો છે.  
અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક ડિસેમ્બરની બેઠકમાં 50 બેસીસ પોઇન્ટનો વ્યાજદર વધારો કરશે એવું માનવામાં આવે છે છતાં વ્યાજદર વધારાની સાઇકલ આવનારા મહિનાઓમાં પણ ચાલુ રહે તેમ જણાય છે. બજાર સ્થિર થવા મથી રહી છે અને ધીરે ધીરે ઘસાતી જાય છે તેમ કિન્સાસ મની એનાલિસ્ટના રિપોર્ટમાં કહેવાયું છે. 
કેન્સાસ સિટી ફેડ પ્રમુખે મંગળવારે એવું નિવેદન આપ્યું હતું કે ફેડને હજુ પણ ઊંચા દરે વ્યાજ વધારો કરવો પડે તેમ છે. લાંબા સમય સુધી ફુગાવા સામે લડવું હોય તો આ એક જ રસ્તો છે. 
જોકે, બીજી તરફ હવે વિશ્વનું અર્થતંત્ર ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. વ્યાજદરો વધતા રહેશે તો ફરીથી મંદી આવશે એવો ભય ફેલાયો છે. મંદી શરૂ થશે તો તે કાબૂમાં લેવાનું મુશ્કેલ બનશે, એવું પણ સૌને લાગી રહ્યું છે.  
રાજકોટની ઝવેરીબજારમાં 24 કેરેટ શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 53050 મક્કમ હતો. ચાંદી એક કિલોએ રૂા. 300 ઘટતા રૂા. 60700 હતી. મુંબઇમાં ચાંદી એક કિલોએ રૂા. 149 વધીને રૂા. 61700 અને સોનાનો ભાવ રૂા. 95 ઘટી રૂા. 52418 હતો.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust