ખાંડ મિલોને નિકાસ ક્વૉટાની અદલાબદલીની મંજૂરી

મિલે ચોથી જાન્યુઆરી પહેલાં પોતાનો ક્વૉટા આપી દેવો પડશે
નવી દિલ્હી, તા. 23 : સરકારે મિલો વચ્ચે અદલાબદલી કરી શકાય તેમ જ  ઘરઆંગણાના ક્વોટાને સરભર કરી શકાય તે રીતે 2.38 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે, જેના કારણે દેશમાંથી ખાંડના વધારાના જથ્થાને ઝડપથી નિકાસ કરી શકાશે અને ઘરઆંગણાના પુરવઠા ઉપર અસર નહીં થાય. 
સૂત્રોના જણાવ્યા મુજબ ખાદ્યાન્ન મંત્રાલયે ખાંડનો બે લાખ ટનનો નિકાસ ક્વોટા મંજૂર કર્યો છે અને 38,000 ટન ખાંડ ગયા સપ્તાહે વેચાઈ હતી. બિહાર અને ઉત્તર પ્રદેશની ઘણી ખાંડ મિલોએ મહારાષ્ટ્રની મિલો સાથે કરાર કર્યા છે, કેમ કે મહારાષ્ટ્રની મિલોને પશ્ચિમી દરિયા કિનારે આવેલાં બંદરોની સરળ પહોંચનો લાભ મળે છે. 
લગભગ 28 ખાંડ મિલોએ પોતાનો નિકાસ ક્વોટા સરેન્ડર કર્યો છે, જેમાંથી કેટલીક મિલોએ પોતાના ક્વોટાનો અમુક હિસ્સો, તો કેટલીક મિલોએ સંપૂર્ણ ક્વોટા પરત કર્યો છે. આ ક્વોટા મુખ્યત્વે મહારાષ્ટ્રની 18 મિલોના ક્વોટા સાથે સરભર કરાશે. 
સરકારની માર્ગદર્શિકા મુજબ, પોતાનો નિકાસ ક્વોટા પરત કરવા-સરન્ડર કરવા ઈચ્છતી ખાંડ મિલે ચોથી જાન્યુઆરી પહેલાં પોતાનો ક્વોટા આપી દેવો પડશે અને એ ક્વોટા દર મહિને ફાળવવામાં આવતા સ્થાનિક વેચાણના જથ્થા સામે સરભર થશે. 
દાખલા તરીકે, ઉત્તર પ્રદેશની એક મિલ, મહારાષ્ટ્રની કોઈ મિલ સાથે પોતાનો ચોક્કસ માત્રાનો નિકાસ ક્વોટા અદલાબદલી કરે, તો ઉત્તર પ્રદેશની મિલે સમાન માત્રામાં સ્થાનિક બજારમાં વેચાણ કરવું પડશે અને તેનો સ્થાનિક ક્વોટા એટલો વધશે, પરંતુ સામે પક્ષે મહારાષ્ટ્રની મિલનો સ્થાનિક એટલો જ ક્વોટા ઘટશે. 
હાલમાં મહારાષ્ટ્રની મિલો ઉત્તર પ્રદેશની મિલો પાસેથી પ્રતિ કિલો ત્રણથી સાડા ત્રણ રૂપિયા પ્રિમિયમે નિકાસ ક્વોટા ખરીદી રહી હોવાનું કહેવાય છે. આનું કારણ એ છે કે મહારાષ્ટ્રની મિલોને પશ્ચિમના દરિયા કિનારેથી નિકાસ કરવાનું નાણાકીય રીતે પરવડે તેવું રહે છે.  
ઉત્તર પ્રદેશની એક મિલે મહારાષ્ટ્રની મિલને પ્રતિ કિલો 39 રૂપિયામાં 20,000 ટન ખાંડનો નિકાસ ક્વોટા વેચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉત્તર પ્રદેશમાં ખાંડ મિલો પાસેથી ખાંડની ખરીદીનો ભાવ આશરે રૂા. 35-36 છે. 
પાંચમી નવેમ્બરે કેન્દ્ર સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી, જે નિકાસ 31 મે સુધીમાં કરવાની રહેશે. સરકારના નોટિફિકેશન મુજબ, તમામ ખાંડ મિલોને તેમનાં છેલ્લાં ત્રણ કામકાજનાં વર્ષના સરેરાશ ઉત્પાદનના 18.23 ટકા નિકાસ ક્વોટા અપાયો છે. ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશનનું અનુમાન છે કે અૉક્ટોબરમાં શરૂ થયેલી ખાંડની નવી સિઝનમાં દેશમાં આશરે 3.65 કરોડ ટન ખાડનું ઉત્પાદન થશે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust