મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો : ગ્રામીણ વિસ્તારોની મુશ્કેલીનો પડઘો

મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો : ગ્રામીણ વિસ્તારોની મુશ્કેલીનો પડઘો
નવી દિલ્હી, તા. 23 : દેશમાં મોબાઇલ ફોનના ગ્રાહકોની સંખ્યામાં સપ્ટેમ્બર મહિનામાં 36.6 લાખ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો હતો, જે સાત મહિનામાં પ્રથમવારનો ઘટાડો છે એમ ટેલિકોમ ટ્રાઇએ પ્રગટ કરેલા આંકડા દર્શાવે છે.
ફેબ્રુઆરીમાં ગ્રાહકોની સંખ્યામાં 37 લાખનો ઘટાડો થયો હતો. તાજેતરના મહિનાઓમાં અૉગસ્ટમાં 10.8 લાખ, જુલાઈમાં 6.4 લાખ અને જૂનમાં 18.9 લાખ ગ્રાહકોનો ઉમેરો થયો હતો.
સપ્ટેમ્બરનો ઘટાડો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્રિત થયો હતો, જે બતાવે છે કે ગ્રામ વિસ્તારોની આર્થિક સમસ્યાઓ ઘેરી બની રહી છે. સપ્ટેમ્બરમાં ગ્રામીણ વિસ્તારોમાં મોબાઇલ ફોન ગ્રાહકોની સંખ્યામાં 37.1 લાખનો ઘટાડો થયો હતો.
ટ્રાઇના આંકડાઓ અગાઉ પણ ગ્રામ વિસ્તારોમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયાનું દર્શાવતા હતા, પરંતુ આ વખતનો ઘટાડો તાજેતરના સમયમાં સૌથી મોટો છે. 
ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકોમાં બેતરફી વધઘટ જોવા મળી છે. તેમની સંખ્યા અૉગસ્ટમાં 75,000 વધ્યા પહેલા જુલાઈમાં 6.1 લાખ ઘટી હતી, જ્યારે જૂનમાં 9.5 લાખ વધી હતી.
આથી વિરુદ્ધ શહેરી વિસ્તારોમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યામાં સપ્ટેમ્બરમાં 5.61 લાખનો વધારો થયો હતો. આ અગાઉ પણ તેમાં જૂનમાં 12.8 લાખ, જુલાઈમાં 13.1 લાખ અને અૉગસ્ટમાં 4.7 લાખનો વધારો થયો હતો.
ગ્રામ વિસ્તારોમાં મોબાઇલ ફોનના ગ્રાહકો ઘટવાનું એક કારણ એ પણ હોઈ શકે કે વોડાફોન આઇડિયાના ગ્રાહકો તેને છોડી રહ્યા છે. સપ્ટેમ્બરમાં વોડાફોન આઇડિયાના 40 લાખ ગ્રાહકો ઓછા થયા હતા. વોડાફોન ઇન્ડિયા ઘણા વખતથી ગ્રાહકો ગુમાવી રહી છે એટલું જ નહીં, તેના ગ્રાહકો ઘટવાની ઝડપ પણ વધતી જાય છે.
દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો પોતાનું સ્થાન મજબૂત બનાવતી જાય છે. સપ્ટેમ્બરમાં તેના ગ્રાહકોની સંખ્યામાં 7 લાખનો વધારો થયો હતો. જોકે આ અગાઉ અૉગસ્ટમાં તેણે 32 લાખ અને જુલાઈમાં 29.4 લાખ નવા ગ્રાહકો બનાવ્યા હતા.
સુનિલ ભારતીની એરટેલે સપ્ટેમ્બરમાં 4 લાખ નવા ગ્રાહકો નોંધ્યા હતા. જાહેર ક્ષેત્રની બીએસએનએલે સપ્ટેમ્બરમાં 7.82 લાખ અને એમટીએનએલે 7940 મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા હતા.
30 સપ્ટેમ્બરે જિયો પાસે 41.99 કરોડ, એરટેલ પાસે 36.42 કરોડ અને વોડાફોન પાસે 24.91 કરોડ ગ્રાહકો હતા.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust