પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત ગંભીર

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત ગંભીર
હિન્દી અને મરાઠી ફિલ્મો તથા નાટકના જાણીતા કલાકાર વિક્રમ ગોખલે હાલમાં પુણેની હૉસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ ગંભીર છે. છેલ્લા પંદર દિવસથી વિક્રમ પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડૉકટરો તમામ પ્રયાસ કરે છે પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થતો નથી. વિક્રમ પત્ની સાથે પુણેમાં રહે છે. જોકે, તેમના પરિવારે હજુ સુધી આ વિશે કઈ નિવેદન જારી કર્યું નથી. 
વિક્રમ ગોખલે લોકપ્રિય ફિલ્મ કલાકાર ચંદ્રકાંત ગોખલેના પુત્ર છે. તેમની દાદી કમલાબાઈ ગોખલે ભારતીય સિનેમાના પ્રથમ બાળ કલાકાર હતાં. હમ દિલ દે ચુકે સનમ, ભૂલ ભૂલૈયા, દિલ સે, દે ધના ધન, હિચકી, નિકમ્મા અને મિશન મંગલ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. તો મરાઠી નાટકો અને ફિલ્મોના પણ લોકપ્રિય કલાકાર છે. પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરતાં અગાઉ વિક્રમે કહ્યું હતું કે, હું ફિલ્મોદ્યોગમાં આવ્યો ત્યારે ભારે સંઘર્ષ કરવો પડયો હતો. મારી પાસે પૈસા નહોતા તથા રહેવા માટે ઘર પણ નહોતું. જયારે અમિતાભ બચ્ચનને આ વિશે ખબર પડી ત્યારે તેણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોશીને પત્ર લખીને ભલામણ કરી હતી. પછી સરકાર તરફથી મને ઘર ફાળવવામાં આવ્યું હતું. હજુ આજે પણ મારી પાસે એ પત્ર ફ્રેમમાં મઢાવેલો છે. હું અમિતાભને ઓળખું છું પણ તે મને ઓળખે છે તેનો મને આનંદ છે. અમે પંચાવન વર્ષોથી મિત્ર છીએ. હજુ પણ અઠવાડિયામાં એક દિવસ તો હું તેમની ફિલ્મ જોઉં છું. 

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust