ગૅંગસ્ટર અમર નાઇકનો સાથીદાર ઝડપાયો : 23 વર્ષથી ફરાર હતો

મુંબઈ, તા. 23 (પીટીઆઇ) : મુંબઈ પોલીસે ગૅંગસ્ટર અમર નાઇકના સાથીદારની ધરપકડ થઇ છે જે ગત 23 વર્ષથી ફરાર હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. અધિકારી અનુસાર આરોપી રવીન્દ્ર ઢોલે (50)ની મંગળવારે પુણેના ઝુન્નર તાલુકાના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી ધરપકડ થઇ હતી. ઢોલે જ્યારે 26 વર્ષનો હતો ત્યારે તેને વર્ષ 1998માં ડકૈતીના મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 399 તથા 402 અને શત્ર અધિનિયમની કલમો હેઠળ ધરપકડ કરાઇ હતી, પરંતુ એક વર્ષ બાદ તે ફરાર થઇ ગયો હતો.
અધિકારી અનુસાર સુનાવણી દરમિયાન ગેરહાજર રહેતા અદાલતે તેને વૉન્ટેડ જાહેર કર્યો હતો અને સ્થાનિક પોલીસ સામે હાજર રહેવા જણાવ્યું હતું. રફી અહમદ કિડવાઇ માર્ગ પોલીસ સ્ટેશનના અૉફિસરો જ્યારે તેના દાદરસ્થિત ઘરે પહોંચ્યા હતા ત્યારે તે ઘર વેચીને ચાલી ગયો હતો. પોલીસે તેનો રેકર્ડ ચેક કર્યા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો નહોતો. 
પોલીસ રેકર્ડમાં તેની કોઇ તસવીર પણ નહોતી. આ કેસના સાક્ષી અને તેને જામીન આપનાર શખસનું પણ મૃત્યુ થઇ ગયું હતું. તેની વધુ જાણકારી ભેગી કરીને 23 વર્ષ બાદ ઢોલેની પુણેથી ધરપકડ કરાઇ હતી. ગૅંગસ્ટર અમર નાઇક બે દાયકા પહેલા પોલીસ સાથે થયેલી ચકમકમાં માર્યો ગયો હતો. ઢોલે નાઇક ગૅંગનો સભ્ય છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust