જો પત્ર ઉપર સમયસર કાર્યવાહી થઈ હોત તો શ્રદ્ધાનો જીવ બચી ગયો હોત : દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ, તા. 23 : શ્રદ્ધા હત્યાકેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. વર્ષ 2020માં નવેમ્બરમાં શ્રદ્ધા વાલકરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી એ પત્ર ઉપર સમયસર કાર્યવાહી થઇ હોત તો  તેનો જીવ બચી ગયો હોત. પત્રમાં સ્પષ્ટપણે લખાયું છે કે આફતાબ તેની હત્યા કરવા માગે છે, આફતાબ તેના ટુકડા ટુકડા કરવા માગે છે. આ એક ગંભીર વાત હતી, જેના ઉપર કાર્યવાહી થવી જરૂરી હતી. ફડણવીસે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ કરાવાશે. પત્ર ઉપર કાર્યવાહી કેમ ન થઇ એ અંગે પણ તપાસ થશે. નવેમ્બર, 2020માં આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી કે શ્રદ્ધાને તેનાથી જાનનો ખતરો છે અને શ્રદ્ધાએ જણાવ્યું પણ છે કે આફતાબ તેના ટુકડા ટુકડા કરવા માંગે છે. 
ફડણવીસે જણાવ્યું હતું કે મારી પાસે પણ લેટર આવ્યો છે. મેં તે જોયો છે. આ એક ગંભીર વાત છે અને તેના ઉપર કાર્યવાહી કેમ ન થઇ તેની તપાસ થવી જોઇએ. હું કોઇને હાલ દોષ આપતો નથી, પરંતુ ફરિયાદ થઇ હોવા છતાં કાર્યવાહી કેમ ન થઇ તેની તપાસ જરૂરી છે. જો પત્રના આધારે યોગ્ય કાર્યવાહી થઇ હોત તો શ્રદ્ધાનો જીવ બચી ગયો હોત. કોને પણ હાલ દોષ આપ્યા વિના સત્ય બહાર આવે તે જરૂરી છે. પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તો હત્યાને ટાળી શકાય હોત.
શ્રદ્ધાએ બે વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધાએ પોતાની ફરિયાદમાં આફતાબથી તેને જાનનો ખતરો હોવાનું જણાવ્યું હતું. શ્રદ્ધાએ પત્રમાં દાવો કર્યો હતો કે આફતાબ તેના શરીરના ટુકડા કરી નાખવાની ધમકીઓ આપે છે. આ ફરિયાદ તેણે તુલીંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ પત્રમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદમાં જણાવાયું છે કે તે મારી મારઝૂડ કરે છે મને ગાળો આપે છે અણે મારી હત્યાનો પ્રયાસ કરે છે. તે મને ધમકી આપે છે કે તે મારા શરીરના ટુકડા ટુકડા કરીને ફેંકી દેશે. તે ગત છ મહિનાથી મને ધમકીઓ આપી રહ્યો છે અને મારપીટ કરી રહ્યો છે. પોલીસ ફરિયાદ નોંધાવી તો તને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપે છે. મારી હત્યાનો તેણે પ્રયાસ કર્યો છે. હવે મારી તેની સાથે રહેવાની કોઇ ઇચ્છા નથી. તે મને સતત બ્લેકમેઇલ કરી રહ્યો છે એવામાં જો મને કંઇપણ થશે તો આફતાબ જવાબદાર રહેશે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust