શિવાજી, ગાંધીજી અને બોઝને કારણે ભારત વિશ્વમાં સ્વાભિમાનપૂર્વક ઊભું છે : રાજ્યપાલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ વિધાનોને કારણે ટીકાનું નિશાન બનેલા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિવાજીનાં કાર્યનું ગૌરવ કરનારું વિધાન કરીને `ડેમેજ કંટ્રોલ' કરવાનો પ્રયત્ન કર્યો છે.
રાજ્યપાલે આજે એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપના પ્રયત્નોને કારણે ભારત વિશ્વમાં સ્વાભિમાનથી ઊભું છે. ભારતની સંસ્કૃતિ વિશ્વમાં અજરાઅમર છે. ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજની સાથે મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ જેવા મહાનુભાવોએ દેશને સમૃદ્ધ કર્યો છે. આ ક્રાંતિકારી લોકોને લીધે જ ભારત વિશ્વમાં સ્વાભિમાનપૂર્વક ઊભું છે અને દેશની સંસ્કૃતિ વિશ્વભરમાં અજરાઅમર થઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્યપાલે રાષ્ટ્રવાદીના વડા શરદ પવાર અને કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી જૂના જમાનાના આદર્શ છે. વર્તમાન સમયમાં શરદ પવાર અને નીતિન ગડકરી એ લોકો માટે આદર્શ છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust