કર્ણાટકના મુખ્ય પ્રધાનનાં વિધાનોને ગંભીરતાથી લેશો નહીં : દેસાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર સાથેના સીમા વિવાદ અંગે કર્ણાટકના મુખ્ય પ્રધાન બાસવરાજ બોમ્માઈના દાવાને ગંભીરતાથી લેવા ન જોઈએ, એમ રાજ્યના કેબિનેટના પ્રધાન શંભુરાજે દેસાઈએ જણાવ્યું છે.
બોમ્માઈએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લામાં જત તાલુકાની પંચાયતે ભૂતકાળમાં કર્ણાટકમાં સામેલ થવા અંગેનો ઠરાવ મંજૂર ર્ક્યો હતો. ત્યાં પાણીની કારમી તંગીને પગલે આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. અમારી સરકારે મહારાષ્ટ્રમાં કન્નડ માધ્યમની શાળાઓને વિશેષ અનુદાન આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત રાજ્યના એકીકરણ માટે લડત ચલાવનારા પાડોશી રાજ્યના કન્નડ ભાષીઓને પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સીમાવિવાદના મુકાબલા કરવા માટે અને વરિષ્ઠ નાગરિકોની શક્તિશાળી ટીમ બનાવી છે.
મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે કર્ણાટક સીમાવિવાદ અંગે ધારાશાત્રીઓની ટુકડી સાથે સંકલન કરવા માટેની જવાબદારી કેબિનેટ પ્રધાનો ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈને સોંપી છે.
શંભુરાજ દેસાઈએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતમાં સીમાવિવાદના કેસને આગળ ધપાવવા માટે વકીલોની ટુકડીની પુન:રચના કરવામાં આવી છે. કૃષ્ણા નદીના પાણી પોતાને મળે એ માટે મહારાષ્ટ્ર સરકાર ઉપર દબાણ લાવવા માટે આ જત તાલુકાની પંચાયતે પોતાને કર્ણાટકમાં ભેળવવા માટેનો ઠરાવ પસાર ર્ક્યો હતો. રાજ્ય સરકારે જત તાલુકા માટે પાણી પુરવઠાની 1200 કરોડ રૂપિયાની દરખાસ્તને મંજૂરી આપી છે તે પ્રકલ્પની ટેક્નિકલ ચકાસણીનું કામ ચાલુ છે, એમ દેસાઈએ ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની સ્થાપના વર્ષ 1960માં થઈ ત્યારથી જ કર્ણાટક સાથે તેનો સીમાવિવાદ છે. મહારાષ્ટ્રનો દાવો બેલગામ જિલ્લો અને અન્ય 80 જેટલા મરાઠી ભાષી ગામનો સમાવેશ કરવા માટેનો છે. બેલગામ જિલ્લો અને આ 80 ગામો હાલ કર્ણાટકમાં છે. આ અંગેનું પ્રકરણ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
આ ઠરાવ વર્ષ 2012નો છે : નાયબ મુખ્ય પ્રધાન
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે જત તાલુકાના 40 ગામોના પાણીની કારમી અછતને પગલે તેઓએ વર્ષ 2012માં કર્ણાટકમાં સામેલ થવા અંગેનો ઠરાવ ર્ક્યો હતો. મહારાષ્ટ્ર સરકારે આ તુલાકના ગામોને મ્હૈસલ સ્કીમમાંથી પાણી પુરવઠો કરવાની યોજનાને તત્કાળ મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust