પાર્લે પ્રોડક્ટ્સ : બે અબજ ડૉલરનું વેચાણ ક્રોસ કરનારી ભારતની પ્રથમ પૅકેજ ફૂડ કંપની

વર્ષ 2021-22માં આવક 9 ટકા વધીને રૂા. 16,202 કરોડ
મુંબઈ, તા. 23 : બિસ્કિટની માર્કેટમાં પારલે પ્રોડક્ટ્સ ભારતીય ગ્રાહકોમાં દાયકાઓથી લોકપ્રિય છે. કોઈ એક વર્ષમાં બે અબજ ડૉલરનું વેચાણ ક્રોસ કરનારી પાર્લે પ્રોડક્ટ્સ દેશની પ્રથમ પૅકેજ ફૂડ ક્ષેત્રની કંપની બની છે.
વર્ષ 2021-22માં કંપનીની આવક 9 ટકા વધીને રૂા. 16,202 કરોડની થઈ છે. નફો 81 ટકા ઘટીને રૂા. 256 કરોડ થયો છે. વર્ષ 2020-21માં આવક રૂા. 14,923 કરોડ થઈ હતી. નફો રૂા. 1366 કરોડ થયો હતો.
કંપનીની વૅલ્યૂ ફોરમની પ્રોડક્ટ્સ ખાસ કરીને પાર્લે-જી બ્રાન્ડના ગ્રોથ માટે કારણરૂપ છે.
ગ્રોથ મુખ્યત્વે ગ્રામીણ બજારનાં કારણે જોવા મળ્યો છે. કુલ વેચાણમાં ગ્રામ્ય વિસ્તારોનો હિસ્સો 55થી 60 ટકા જેટલો છે. ગયા વર્ષે કંપનીએ ડિસ્ટ્રિબ્યુશનમાં 12 ટકાનો વધારો કર્યો હતો.
એક અબજ ડૉલરનું વેચાણ કરનારી પ્રથમ ક્રમની એફએમસીજી બ્રાન્ડ હલ્દીરામ છે. જ્યારે પાર્લે-જી બીજા ક્રમે છે. બિસ્કિટ બ્રાન્ડ છેલ્લાં દસ વર્ષથી પ્રથમ સ્થાને છે.
બે વર્ષ અગાઉ બ્રિટાનિયા અને નેસ્લેને પાછળ પાડીને પાર્લે દેશની સૌથી મોટી ફૂડ કંપની બની ગઈ હતી. બ્રિટાનિયાની આવક ગયા વર્ષે રૂા. 14,359 કરોડ અને નેસ્લેની આવક રૂા. 14,829 કરોડની હતી.
મૂલ્યની દૃષ્ટિએ બિસ્કિટ માર્કેટમાં બ્રિટાનિયા નંબર વન છે. જ્યારે જથ્થાની દૃષ્ટિએ પાર્લે પ્રથમ સ્થાને છે. પાર્લે પ્રોડક્ટ્સ વાર્ષિક 12 લાખ ટન બિસ્કિટનું વેચાણ કરે છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust