ચૂંટણી કમિશનર ગોયલની નિમણૂક કેવી રીતે કરાઈ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે ફાઈલ મગાવી
નવી દિલ્હી, તા. 23 : મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) અને ચૂંટણી કમિશનર (ઈસી)ની નિયુક્તિની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી જવાબ માગ્યા હતા. સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર એવા મજબૂત જોઈએ જે વડાપ્રધાન ઉપર કોઈ ભૂલનો આરોપ લાગે તો પણ તેની સામે કાર્યવાહી કરી શકે. સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, આ પદો પર યોગ્ય લોકોની જ પસંદગી કરવામાં આવી રહી છે. કોર્ટે કેન્દ્ર પાસે હાલના ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંબંધી ફાઈલો મગાવી છે.
ઉલ્લેખનીય છે કે, સીઈસી અને ઈસીની નિયુક્તિને વધુ પારદર્શી બનાવવા માટેની માંગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ચૂંટણી કમિશનરોની પસંદગીનું કામ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને લોકસભામાં વિપક્ષના નેતાની સમિતિને સોંપવામાં આવવું જોઈએ.
સુનાવણી દરમ્યાન કોર્ટે કેન્દ્ર સરકારને અનેક વખત ફટકાર લગાવી હતી. 2007 બાદ સીઈસીનો કાર્યકાળ `નાનો' કરવા સામે કોર્ટે સવાલ ઉઠાવ્યા બાદ એટર્ની જનરલ આર. વૈંકટરમણીએ જણાવ્યું કે, દરેક વખતે નિયુક્તિ વરિષ્ઠતાના આધારે જ કરવામાં આવતી હોય છે. એક મામલાને બાદ કરતાં આપણે ચૂંટણીપંચમાં વ્યક્તિના સમગ્ર કાર્યકાળને ધ્યાને લેવાની જરૂર છે, માત્ર સીઈસી તરીકેના કાર્યકાળને જ ધ્યાને લેવો ન જોઈએ. સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર એટલો મજબૂત જોઈએ કે, જરૂરત પડે તો તે વડાપ્રધાન સામે પણ પોતાની ફરજ બજાવી શકે. આ અંગે સરકારે જવાબ આપ્યો હતો કે, માત્ર કાલ્પનિક  સ્થિતિના આધારે કેન્દ્રીય કેબિનેટ પર અવિશ્વાસ કરવો જોઈએ નહીં. હજુ પણ યોગ્ય વ્યક્તિઓની જ પસંદગી કરવામાં આવી રહી છે.
બેન્ચે કહ્યું કે, બંધારણમાં દર્શાવવામાં આવેલી પ્રક્રિયા અનુસાર સીઈસી અને ઈસીની પસંદગી ન થવાના પરિણામો ખતરનાક હોય છે. બંધારણની કલમ 324 (2) સીઈસી અને ઈસીની નિયુક્તિનો કાયદો બનાવવાનો આદેશ આપે છે, પરંતુ છેલ્લા સાત દશકથી એવું કરવામાં આવ્યું નથી.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust