દિશા સેલિયનની હત્યા થઈ નહોતી : સીબીઆઈ તપાસમાં ખુલાસો

દિશા સેલિયનની હત્યા થઈ નહોતી : સીબીઆઈ તપાસમાં ખુલાસો
મુંબઈ, તા. 23 (પીટીઆઇ) :  દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મૅનેજર દિશા સેલિયનનો કેસ સીબીઆઇને સોંપાયો હતો. આ મામલે સીબીઆઇ તપાસમાં ખુલાસો થયો છે કે દિશા સેલિયનની હત્યા કરાઇ નહોતી તે નશામાં ધૂત હતી અને તેનો પગ લપસી જતા તેનું બાલ્કનીમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. સીબીઆઇએ આને આકસ્મિક મૃત્યુ ગણાવ્યું છે. તમામ તપાસમાં જાણવા મળ્યું છે કે તેની હત્યા થઇ નથી અને તમામ અહેવાલ મુજબ આ આકસ્મિક મૃત્યુ હોવાનો નિષ્કર્ષ સીબીઆઇએ આપ્યો છે.
મલાડની ઇમારતના 12મા માળેથી પડી ગયા બાદ દિશાનું મૃત્યુ થયું હતું. એ સમયે મહાવિકાસ આઘાડી સરકાર અને ભાજપ પક્ષ વચ્ચે બહસ થઇ હતી. એ વખતે ભાજપનો આક્ષેપ હતો કે આકસ્મિક ઘટના નહીં બલકે હત્યા છે. 
પોલીસ તપાસમાં આ કેસ દિશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવીને બંધ કરાયો હતો. આ અંગે ભારે વિરોધ નોંધાતાં કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ હતી. સીબીઆઇએ દિશાનાં મૃત્યુ મામલે કોઇ અલગ કેસ નોંધ્યો નહોતો. સીબીઆઇએ ખુલાસો કર્યો હતો કે દિશા નશામાં હતી અને તેનું ઇમારતની બાલ્કનીમાંથી પડી જવાથી મૃત્યુ થયું છે. આ આકસ્મિક ઘટના છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust