પેટીએમનો ભાવ ઘટીને અત્યાર સુધીના સૌથી નીચા લેવલે પહોંચ્યો

પેટીએમનો ભાવ ઘટીને અત્યાર સુધીના સૌથી નીચા લેવલે પહોંચ્યો
ગઈકાલે ભાવ 11 ટકા ઘટીને રૂા. 477ના સ્તરે બંધ રહ્યો
મુંબઈ, તા. 23 : પેટીએમના શૅરમાં ભાવ ઘટાડાની ગતિ અટકવાનું નામ નથી લેતી. ગઈકાલે કંપનીના શૅરનો ભાવ ઘટીને અત્યાર સુધીના સૌથી નીચા લેવલે પહોંચી ગયો હતો.
ગઈકાલે શૅરનો ભાવ સોમવારના રૂા. 536.20ના બંધ સામે રૂા. 537 ખુલ્યો હતો. દિવસ દરમિયાન નીચામાં ભાવ 474.30 અને ઊંચામાં રૂા. 537ના સ્તરે પહોંચ્યો હતો.
છેલ્લે 11 ટકા ઘટીને રૂા. 477.10ના અત્યાર સુધીના સૌથી નીચા લેવલે બંધ રહ્યો હતો. એક વર્ષનો લોક-ઇન પિરિયડ પૂરો થવાને પગલે આમ પણ કંપનીના શૅરમાં વેચવાલીનું પ્રેશર ચાલી રહ્યું છે. એમાં મેકવાયરે એના રિપોર્ટમાં જણાવ્યું કે જિયો ફાઇનેન્શિયલ સર્વિસીસના બિઝનેસને પગલે પેટીએમ જેવી ફિનટેક કંપનીઓના કામકાજ પર પ્રતિકૂળ અસર થવાની ગણતરી છે. આ રિપોર્ટના પગલે કંપનીના શૅરમાં વધુ વેચવાલી જોવા મળી હતી અને ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો.
ગઈકાલે કંપનીનું મૂલ્ય રૂા. 30,971 કરોડના લેવલે પહોંચ્યું હતું. આઈપીઓ વખતે કંપનીનું વેલ્યુએશન રૂા. 1.39 લાખ કરોડનું હતું.
આઈપીઓમાં રૂા. 2150ના ભાવે શૅરની ફાળવણી કરવામાં આવી હતી. એની સરખામણીએ શૅરના ભાવમાં 79 ટકાનું ધોવાણ થયું છે. છેલ્લા એક મહિનામાં ભાવ 27 ટકા જેટલો ઘટયો છે. ગયા સપ્તાહમાં ગ્લોબલ ટેક ઇન્વેસ્ટર સોફ્ટ બૅન્કએ કંપનીના 4.50 ટકા હોલ્ડિંગનું વેચાણ શૅરદીઠ રૂા. 555.67ના ભાવે કર્યું હતું. કુલ રૂા. 1631 કરોડના મૂલ્યના શૅર વેચ્યા હતા.
માર્કેટ કેપમાં એક લાખ કરોડનું ગાબડું
અત્યાર સુધીમાં કંપનીના માર્કેટ કેપમાં રૂા. એક લાખ કરોડનું ધોવાણ થયું છે. આઈપીઓ વખતે કંપનીનું વેલ્યુએશન રૂા. 1.38 લાખ કરોડનું હતું. ગઈકાલે માર્કેટ કોપ રૂા. 30,971 કરોડ રહ્યું હતું. આમ વેલ્યુએશનમાં એક લાખ કરોડ રૂપિયાનો સફાયો થઈ ગયો છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust