અમે ઝાકિર નાઈકને ફિફા વર્લ્ડ કપનું નિમંત્રણ આપ્યું નથી

અમે ઝાકિર નાઈકને ફિફા વર્લ્ડ કપનું નિમંત્રણ આપ્યું નથી
ભારત સમક્ષ કતારની સ્પષ્ટતા
દોહા, તા. 23 : ભારતમાં વિવાદિત અને ભડકાઉ ભાષણો આપવા સબબ જેનું ધરપકડનું વોરન્ટ જાહેર થયેલું છે એવા ઝાકિર નાઈકને ફિફા વર્લ્ડકપના ઉદ્ઘાટન સત્રમાં આમંત્રિત કરાયો હોવાના સમાચાર વહેતા થયા હતા. આ બાબતે કતાર સમક્ષ ભારત સરકારે વાંધો ઉઠાવ્યો હતો. કતારે સ્થાનિક મીડિયા મારફતે ભારત સમક્ષ ચોખવટ કરતાં કહ્યું છે કે, કતારે આ પ્રકારનું કોઈ પણ આમંત્રણ નથી પાઠવ્યું. નાઈક વ્યક્તિગત રીતે કતારના પ્રવાસે હોઈ શકે છે. કતારે ભારતના અધિકારીઓને જણાવ્યું હતું કે, કેટલાક દેશો જાણી જોઈને ભારત અને કતારના દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ લાવવા માટે આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે. કતાર વિરુદ્ધ દુપ્રચારના ભાગ રૂપે આ સમગ્ર વાત ઊભી કરવામાં આવી હતી.
આ પહેલાં ભારત સરકારે કતારને આકાર શબ્દોમાં જણાવી દીધું હતું કે, જો નાઈકને ફિફા વર્લ્ડકપમાં ઔપચારિક રીતે ફિફા વર્લ્ડકપમાં વીવીઆઈપી બોક્સમાં બેસીને ફૂટબોલ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હશે તો ભારત સરકારને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની યાત્રા રદ કરવી પડશે. અત્રે ઉલ્લખેનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કતારની યાત્રાએ હતા. 20 નવેમ્બરના કાર્યક્રમમાં ભાગ લઈને ત્યાંથી નીકળી ગયા હતા. એમણે ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust