`આપ'' નેતા સત્યેન્દ્ર જૈનનું વધુ એક જુઠાણું પકડાયું

`આપ'' નેતા સત્યેન્દ્ર જૈનનું વધુ એક જુઠાણું પકડાયું
જેલમાં હૉટેલનું ભોજન માણતો વીડિયો વાયરલ
નવી દિલ્હી, તા. 23 : મની લૉન્ડરિંગ મામલે તિહાર જેલમાં બંધ દિલ્હીની કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન જેલમાંથી લીક થઈ રહેલા અલગ-અલગ વીડિયોને કારણે પરેશાન છે. તો ભાજપ આ મુદ્દે શક્ય એટલો ફાયદો મેળવવાના પ્રયાસોમાં છે. 
સત્યેન્દ્ર જૈનના ક્યારેક મસાજવાળા તો ક્યારેક હોટેલની વાનગીઓ આરોગતા સીસીટીવી ફૂટેજ લીક થઈ રહ્યા છે. વારંવાર લીક થઈ રહેલા જેલના વીડિયોને કારણે ત્રસ્ત સત્યેન્દ્ર જૈને તેમની ખીજ કોર્ટમાં ઉતારવાની સાથે પૂછ્યું કે આખરે તમે આ વીડિયો જારી નથી કરતા તો શું ભૂત વીડિયો લીક કરી રહ્યું છે. સત્યેન્દ્ર જૈનને જેલમાં કાચા ફળ અને શાકભાજી ખાવાની પરવાનગી આપવા અંગેની માગણીની સુનાવણી દરમિયાન જૈનના વકીલે કહ્યું કે અમે વધારે કંઈ માગતા નથી, પણ કમસે કમ ગાજર-મૂળા ખાવાને તો લાયક રહેવા દો.
જૈનના વકીલે દાવો કર્યો હતો કે એજન્સી દ્વારા રોજ કોઈને કોઈ બાબત લીક કરવામાં આવી રહી છે. પૂરો વીડિયો કેમ જારી કરતા નથી. વીડિયોના અમુક હિસ્સા સાથે છેડછાડ કરી જારી કરાઈ રહ્યા છે. કોર્ટ રોજ આ જોઈ રહી છે. સમગ્ર દેશ સમક્ષ સનસની ફેલાવવા વીડિયો રજૂ કરાઈ રહ્યા છે.
દરમિયાન, સત્યેન્દ્ર જૈનનો તિહાર જેલનો ઓર એક વીડિયો લીક થયો છે જે 13 સપ્ટેમ્બરનો છે. એમાં જૈન ખાવાનું ખાઈ રહ્યા છે. જ્યારે જૈન તરફથી કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે તેમણે છ મહિના દરમિયાન અનાજનો એક દાણો મોંમાં મૂક્યો નથી. એટલું જ નહીં, આને કારણે જૈનનું વજન 28 કિલો ઘટી ગયું છે. જ્યારે જેલ પ્રશાસનનો દાવો છે કે સત્યેન્દ્ર જૈનનું વજન જેલમાં આવ્યા બાદ આઠ કિલો જેટલું વધ્યું છે.
તિહાર જેલમાં બંધ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના રોજ બહાર આવતા વીડિયોને કારણે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષો ભાજપ અને કૉંગ્રેસના નિશાના પર છે. જૈન પર જેલના નિયમોનો ભંગ કરી એશોઆરામથી રહેવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેલમાં ગયેલા સત્યેન્દ્ર જૈન પર મની લૉન્ડરિંગ ઉપરાંત તિહાર જેલમાં જ બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી દસ કરોડ રૂપિયા વસૂલવાનો પણ આરોપ છે. તો જેલમાં બળાત્કારના આરોપી પાસે મસાજ કરાવવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
દરમિયાન મની લૉન્ડરિંગ મામલે જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના લીક થયેલા વીડિયો મામલે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ જારી કરી છે. એ સાથે આપના વિધાનસભ્ય અને કૅબિનેટ પ્રધાન સત્યેન્દ્ર જૈને  મીડિયા ચૅનલો પર દર્શાવાઈ રહેલા સીસીટીવી ફૂટેજનું પ્રસારણ અટકાવવાની દાદ માગતી અરજી કરી છે જેની સુનાવણી ગુરુવારે હાથ ધરાશે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust