ગુજરાતને ઈલેક્ટ્રિક વાહનોનું `હબ'' બનાવીશું : મોદી

ગુજરાતને ઈલેક્ટ્રિક વાહનોનું `હબ'' બનાવીશું : મોદી
વડા પ્રધાને ભાવનગર, વડોદરા, મહેસાણા અને દાહોદમાં ચૂંટણીસભાઓ ગજાવી
અમદાવાદ વડોદરા, ભાવનગર, તા. 23 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા, વડોદરા, દાહોદ અને ભાવનગરમાં જાહેર સભા યોજી હતી અને ગુજરાતને ઈલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક `હબ' બનાવવાની હાકલ કરવા સાથે કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કર્યા હતાં. 
મહેસાણા : મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે જાહેરસભાને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે,મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. આજે મહેસાણા વિશ્વફલક ઉપર સ્થાન પામ્યું છે. મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉદ્યોગનું હબ બન્યો છે. મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે. મહેસાણા ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન હબ બનશે એટલે દુનિયાનું બજાર કબજે કરીશું. 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 1930માં અંગ્રેજોએ મહેસાણાથી આબુ રોડ બનાવ્યો, 1930થી 100 વર્ષ સુધી મહેસાણાથી આબુરોડ તારંગા અંબાજી રેલવે લાઈનના કોઈને કાગળીયા ફાઈલ જોવાની નવરાશ ન મળી આ તમારો મહેસાણા જિલ્લાનો દીકરો ત્યાં બેઠોને એટલે મેં બધી શોધખોળ ચાલુ કરી. આ તમારા દીકરાએ મહેસાણાથી આબુ એક નવી રેલવે લાઈનનું કામ ચાલુ કર્યું. જે અંબાજી અને તારંગાને જોડશે. નવા એક વિકાસનું એક ક્ષેત્ર વિકસી જવાનું છે.  સૌ કોઈ જાણે છે કે કોંગ્રેસના મોડેલે ગુજરાતને બરબાદ કર્યુ છે.
ભાવનગર : ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાઈ હતી, સભાને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભાવનગર નજીકના ધોલેરા ખાતે વિશ્વનું સૌથી મોટુ મરીન હેરીટેજ મ્યુઝિયમ તેમજ ગ્રીન હાઈડ્રોજન કાઠિયાવાડમાં બનશે. વડાપ્રધાને પાલિતાણાના ટુરિઝમ વિકાસની પણ વાત કરી હતી. તેમણે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતાં અને જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેમણે મહારાજા કૃષ્ણસિંહજીનો રોલ ભજવ્યો હતો. રાજકારણનો કક્કો પોતે ભાવનગરની ધરતીના સ્વ.હરિસિંહ ગોહિલ પાસેથી શીખ્યા હોવાનું જણાવ્યું હતું.  
તેમણે ઉમેર્યુ હતું કે, ભાવનગરનો વિકાસ થયો તેમાં વિશ્વ વિખ્યાત અલંગશીપ બ્રેકીંગ યાર્ડ, વ્હીકલ ક્રેપ યાર્ડ, કંટેનરનું ઉત્પાદન, નાના-મોટા ઉદ્યોગો જેના લીધે રોજગારીની તકો વધી છે. તેમણે ઉમેર્યુ હતું કે, વિશ્વનું સૌથી મોટુ સીએનજી ટર્મીનલ ભાવનગરમાં બનશે.  
વડોદરા : વડોદરાના નવલખી મેદાનમાં જંગી સભાને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. વડોદરા તો સયાજીરાવની નગરી છે અને હું સયાજીરાવે બનાવેલી શાળામાં ભણીને આવ્યો છું આજે વડોદરા ઉચ્ચ શિક્ષાનું હબ બની ગયું છે. છેલ્લા 20 વર્ષમાં અહીં ઉચ્ચ માધ્યમિક શાળાઓની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. કોલેજો અને યુનિવર્સિટીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ડિગ્રી અને ડિપ્લોમાની 30 કોલેજો બની ગઈ છે. વડોદરામાં હવાઈજવાજ બનાવવાનું કારખાનું બનશે જેનું કામ ચાલી રહ્યું છે. 300 કરોડ કરતા વધુ મુડી રોકાણવાળી ડઝનેક કંપનીઓ આજે વડોદરામાં છે. તેમણે ઉમેર્યુ હતું કે આ ચૂંટણી ન તો નરેન્દ્ર મોદી કે, ન તો ભૂપેન્દ્ર પટેલ લડી રહ્યાં છે, આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. કોંગ્રેસે વોટ બેન્કની ચિંતા કરી એટલે તિર્થયાત્રા માટે કંઈ ન વિચાર્યુ, પાવાગઢના શિખર ઉપર ધ્વજ ન હતો. 500 વર્ષ બાદ આ ધ્વજ ફરકાવાનો મોકો મને મળ્યો. આજે પાવાગઢ જતા લોકોમાં વધારો થયો છે. 
દાહોદ : દોહાદની સભાને સંબોધતા વડા પ્રધાને કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યુ પરંતુ આદિવાસીઓ માટે કઈ જ ન કર્યુ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર હતી પરંતું ક્યારેય આદિવાસીઓની ચિંતા ન કરી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે જણાવ્યું હતું કે, એક ભાઈ પદયાત્રામાં નિકળ્યાં છે ત્યારે આદિવાસીઓની વાતો કરી રહ્યાં છે હું તેમને પુછુ છું કે, જ્યારે ભાજપે એક આદિવાસી મહિલાને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે તમે ક્યાં હતાં ? વડા પ્રધાને ઉમેર્યુ હતું કે, હું આદિવાસી બહેનોના રોટલા ખાઈને મોટો થયો છું.મારા ઘડતર અને સંસ્કારમાં દાહોદનો મોટો ફાળો રહ્યો છે.દાહોદની ધરતી વીરોની ધરતી છે. અહીની દિકરીઓ નર્સીંગ ભણીને વિદેશ જઈ રહી છે ત્યારે આવો આપણે બધા ગોવિંદગુરુને સત સત નમન કરીએ. 

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust