અદાણીને પ્રોજેક્ટ આપવા સામેની તાતા પાવરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી)ના મુંબઈ નજીક રૂા. 7000 કરોડના ટ્રાન્સમિશન પ્રોજેક્ટને નોમિનેશનના આધારે અદાણી ઇલેક્ટ્રિસિટીને આપવાના નિર્ણય સામે તાતા પાવરે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં એપેલેટ ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટી (એપીટીઈએલ)ના આદેશને સમર્થન આપ્યું હતું અને તમામ રાજ્ય વીજ નિયામક કમિશનને ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 61 અને રાષ્ટ્રીય નીતિ અનુસાર ટેરિફ નિર્ધારણ પર માર્ગદર્શિકા ઘડવા નિર્દેશ કર્યો હતો. 
ઊર્જા નિષ્ણાત અશોક પેંડસેએ કહ્યું કે, આ ચુકાદાની મુંબઈ વીજ બજાર પર અસરો છે. મુંબઈની વીજળીને ટોચની માગ આશરે 3500 મેગાવોટ છે. અદાણી ગ્રુપ તેના દહાણુ એકમ દ્વારા મુંબઈને 500 મેગાવોટ અને તાતા ગ્રુપ 1700 મેગાવોટ સપ્લાય કરે છે. બાકીની વીજળી મુંબઈ બહારથી આવે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે, અદાણી ગ્રુપ હવે તેનો આરે-કુડુસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ પશ્ચિમ કોરિડોરમાં સ્થાપિત કરી શકશે. આનાથી મુંબઈ માર્કેટમાં 1000 મેગાવોટ ઉપલબ્ધ થશે. 
મુંબઈમાં અનેક વીજળીના અનેક ધાંધિયા પછી એમઈઆરસીએ વર્ષ 2013માં રિલાયન્સ એનર્જીના આરે-કુડુસ વીજળી ટ્રાન્સમિશન પ્રોજેક્ટના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપી હતી. 
અનિલ અંબાણી ગ્રુપ પાસેથી રિલાયન્સ એનર્જીના મુંબઈના ઉપનગરીય પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને સંભાળ્યા પછી અદાણી ઈલેક્ટ્રીસિટીએ ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટને પુનર્જિવિત કર્યો અને ગયા વર્ષે માર્ચમાં એમઈઆરસી પાસેથી લાઇસન્સ મેળવ્યું. આ પ્રોજેક્ટ હેઠળ, અદાણી કુડુસ અને આરે કોલોની પાવર સ્ટેશન વચ્ચે ડાયરેક્ટ કરંટ લિંક વિકસાવશે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust