વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત `ટ્વેલ્થ ફેઈલ'' માં વિક્રાંત મેસી

વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત  `ટ્વેલ્થ ફેઈલ'' માં વિક્રાંત મેસી
પરિન્દા, 1942: અ લવ સ્ટોરી, મિશન કશ્મીર જેવી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત આગામી ફિલ્મનું શીર્ષક ટ્વેલ્થ ફેઈલ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વિક્રાંત મેસી ભજવે છે. આ જ શીર્ષક ધરાવતાં અનુરાગ પાઠકના પુસ્તક પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ પુસ્તક આઈપીએસ અધિકારી મનોજ કુમાર અને આઈઆરએસ અધિકારી શ્રદ્ધા જોશીના જીવનના સત્ય ઘટના પર આધારિત છે. જોકે, આ ફિલ્મ તેમની બાયોપિક નથી પરંતુ કઈ રીતે એક ત્રી કે પુરુષ ઈકોસિસ્ટમમાં બદલાવ લાવી શકે છે તેના પર છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ નવી દિલ્હીના મુખરજી નગરમાં કરવામાં આવ્યું છે જયાં વર્ષોથી સરકારી અધિકારીઓ જન્મે છે.
ફિલ્મ વિશે વાત કરતાં વિધુ વિનોદ ચોપરાએ જણાવ્યું હતું કે, પ્રમાણિક વ્યક્તિ સત્તા પર હોય તો વિશ્વમાં પરિવર્તન લાવવું શક્ય છે. આ ફિલ્મના લેખન દરમિયાન હું અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને મળ્યો છું. ટ્વેલ્થ ફેઈલ આ તમામને ભાવાંજલિરૂપ છે. જો આ ફિલ્મથી વધુ દસ અધિકારીઓ પણ પ્રમાણિક બનવાની પ્રેરણા મેળવશે અને દસ વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ મેળવવા માટે પ્રયાસ કરશે તો અમે સફળ થઈશું. 
વિક્રાંતે કહ્યું હતું કે, આ ફિલ્મ એવા વિદ્યાર્થીઓને સમર્પિત છે જેમણે ગજા કરતાં મોટા સપના જોયા અને તમામ અવરોધ પાર કરીને તેને સાકાર કર્યા. આજે પ્રમાણિકતા અને નિષ્ઠા ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મ એવા પ્રમાણિક અધિકારીઓને અર્પણ કરીએ છીએ જે આ દેશ અને બંધારણનું પીઠબળ છે. ફિલ્મનું પ્રથમ શીડયુલ પૂરું થયું છે અને બીજુ ચાલી રહ્યું છે. 

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust