મુંબઈમાં ઓરી બીમારીથી 12નાં મોત : 156 શંકાસ્પદ દરદી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ઓરી બીમારીથી બુધવારે બાળકનું મૃત્યુ થયા બાદ ઓરીથી થયેલા મૃત્યુની સંખ્યા 12 થઇ છે. જેમાં મુંબઈમાં નવ અને અન્ય ઠેકાણે ત્રણનો સમાવેશ થાય છે. બુધવારે ઓરીના 13 નવા દરદીઓની નોંધ થયા બાદ દરદીઓની સંખ્યા 233 ઉપર પહોંચી છે તેમ જ 156 શંકાસ્પદ દરદીઓ મળ્યાં છે. મુંબઈની જુદી જુદી હૉસ્પિટલોમાંથી 222 દરદીઓને બુધવારે રજા આપવામાં આવી હતી. 
મુંબઈમાં સતત ત્રણ દિવસથી ઓરીને પગલે બાળકોનાં મૃત્યુની નોંધ થઇ રહી છે. આ બીમારીએ શહેર અને આસપાસના વિસ્તારમાં માથું ઊંચકયું છે. મુંબઈ મહાપાલિકાની ભિવંડીની હૉસ્પિટલમાં આઠ મહિનાનું નવજાત ઓરીની ચપેટમાં આવ્યા બાદ પાંચ દિવસની સારવાર બાદ 22મી નવેમ્બરે રાતે 8.45 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. મુંબઈમાં બુધવારે ઓરીના 13 દરદીઓ મળતા દરદીઓની સંખ્યા 233 જેટલી થઇ છે. બુધવારે 13 દરદીઓમાંથી ત્રણ કોલાબા અને ભાડુંપમાં, કાંદિવલી-મલાડમાં બે, તેમ જ માટુંગા, ગિરગાંવ અને ઘાટકોપરમાં એક દરદીનો સમાવેશ થાય છે. તેમ જ 156 શંકાસ્પદ દરદી સાથે શંકાસ્પદ દરદીઓની સંખ્યા 3,534 જેટલી થઇ છે. શંકાસ્પદ દરદીઓને બે ડૉઝ 24 કલાકમાં બે વાર આપવામાં આવે છે. 
થાણેમાં 24 કલાક હેલ્પલાઇન
તાવ આવતા બાળકને તબીબ પાસે કે નાગરી આરોગ્ય કેન્દ્રમાં લઇ જાઓ. તેમની સમયસર સારવાર કરાવતા બીમારી દૂર થશે. જો બીમારી થતા બેદરકારી રાખી તો બાળકના જીવને જોખમ છે. થાણેમાં ઓરી બીમારીની સ્થિતિનો અહેવાલ લેવા માટે બેઠક યોજાઇ હતી. આ બીમારી બાબતે માહિતી માટે 24 કલાક હેલ્પલાઇન નંબર 7306330330 શરૂ કરવામાં આવી હોવાનું થાણે મહાપાલિકા ઉપાયુકત અભિજિત બાંગરે જણાવ્યું હતું.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust