ક્રૂ સભ્યો ધાર્મિક દોરાઓ પહેરી નહીં શકે : ચાંદલાની સાઈઝ, હેરસ્ટાઈલ માટે પણ કડક નિયમો

ઍર ઇન્ડિયાએ ગ્રામિંગ ગાઈડલાઈન્સ જાહેર કરી 
મુંબઈ, તા. 24 : તાતા ગ્રુપે ઍર ઇન્ડિયાને ટેકઓવર કર્યા બાદ ઍરલાઈન્સમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. હવે તાજેતરમાં ઍર ઇન્ડિયાએ તેના કૅબિન એટેન્ડન્ટ્સ માટે ગ્રામિંગ ગાઈડલાઈન્સની લાંબી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં મહિલા અને પુરુષ ક્રૂ સભ્યો બંને માટે ગ્રામિંગ ગાઈડલાઈન્સનો સમાવેશ થાય છે. 
ગાઈડલાઈન્સમાં મૅલ અને ફીમૅલ ક્રૂ મેમ્બર્સને ગ્રામિંગમાં શું કરવું અને શું ન કરવું એ જણાવવામાં આવ્યું છે. ઍર ઇન્ડિયાએ ક્રૂ મેમ્બર્સને તેમના લૂક પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે. તમામ મૅન અને વિમૅન ક્રૂ સભ્યોએ આ ગાઈડલાઈન્સનું સખતાઇથી પાલન કરવું પડશે. 
રિપોર્ટ અનુસાર ઍર ઇન્ડિયાએ પુરુષ ક્રૂના જે સભ્યોને ઓછા વાળ છે અથવા જેમને ટાલ પડી છે તેમને ક્લિન શેવ્ડ હેડ એટલે કે બૉલ્ડ લૂક રાખવા માટે કહ્યું છે. આવા ક્રૂ મેમ્બરોને દરરોજ માથું શેવ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. મેમ્બર્સને ગાઈડલાઈન્સમાં `ક્રૂ કટ' હેરસ્ટાઇલ રાખવાની મંજૂરી નથી. આટલું જ નહીં, મૅલ ક્રૂ વિખરાયેલા વાળવાળી હેરસ્ટાઈલ રાખી શકતા નથી. 
વિમૅન ક્રૂ મેમ્બર્સ માટે ગ્રામિંગ ગાઈડલાઈન્સનું લિસ્ટ લાંબું છે. આ લિસ્ટમાં જણાવ્યા અનુસાર ફીમૅલ ક્રૂ- મેમ્બર્સને પર્લ ઇયારિંગ્સ પહેરવાની પરવાનગી નથી. ચાંદલો અૉપ્શનલ છે, પરંતુ એની સાઈઝ 0.5 સેમીથી વધુ ન હોવી જોઈએ. વિમૅન ક્રૂ હાથમાં માત્ર એક બંગડી પહેરી શકે છે, પરંતુ બંગડીમાં ડિઝાઇન અથવા સ્ટોન્સ ન હોવા જોઈએ. 
આ સિવાય વિમૅન ક્રૂ વાળને બાંધવા માટે હાઇ ટોપ નોટ અને લો બન્સ સ્ટાઇલનો ઉપયોગ નહિ કરી શકે. ફીમૅલ ક્રૂ કોઈ ડિઝાઇન વગર માત્ર ગોલ્ડ અને ડાયમંડની રાઉન્ડ શેપ્ડ ઇયારિંગ્સ પહેરી શકે છે. 
બંને હાથમાં એક જ વીંટી પહેરવાની છૂટ છે, પરંતુ શરત એ છે કે વીંટી પહોળાઈ એક સેમીથી વધુ ન હોવી જોઈએ. આ સિવાય મહિલા ક્રૂ મેમ્બર્સને માત્ર ચાર બોબી પિનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. 
આ સિવાય મહિલા ક્રૂ સભ્યોને આઈશેડો, લિપસ્ટિક, નેલ પેઈન્ટ અને હેર શેડ કાર્ડ્સનું કડક પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. સાડીઓ અને ઈન્ડો-વેસ્ટર્ન બંને વિયર સાથે ફ્લાઇટ ડ્યૂટી માટે સ્કિન ટોન સાથે મેચ થતી શીયર કાલ્ફ લેન્થ સ્ટાકિંગ્સ ફરજિયાત છે. મહેંદી લગાવવાની પણ મંજૂરી નથી. 
ગાઈડલાઈન્સ જણાવે છે કે ગ્રે વાળ ધરાવતા ક્રૂ મેમ્બરોએ નેચરલ બ્લૅક શેડનો ઉપયોગ કરવો જોઈએ. કાંડા, ગરદન અને પગની ઘૂંટી પર ધાર્મિક અથવા કાળો દોરો બાંધવાની મંજૂરી નથી.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust