ખાર રેલવે સ્ટેશનની મોટા પાયે કાયાપલટ કરાશે

મુંબઈ, તા. 24 : પશ્ચિમ રેલવેના ખાર રેલવે સ્ટેશનની ટૂંક સમયમાં મોટા પાયે કાયાપલટ કરવામાં આવશે, જેમાં એક એવું પણ પ્લૅટફૉર્મ બનાવવામાં આવશે જ્યાંથી તમે સીધા બહારની ગલીમાં પહોંચી શકશો.
વર્ષોથી મુંબઈમાં ઉપનગરના પ્રવાસીઓની સંખ્યા વધતી રહી છે અને હવે વર્તમાન સ્ટેશનો સાંકળા અને અપૂરતા લાગી રહ્યાં છે. મોટા ભાગના ઉપનગરનાં રેલવે સ્ટેશનો બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યાં છે અને ત્યાર બાદ તેમાં જરૂર મુજબની સુવિધાઓ ઉમેરવામાં આવતી રહી છે. જેને કારણે આ સ્ટેશનોના લેઆઉટ કઢંગા બની ગયાં છે.
ખાર સ્ટેશન ખાતે 10 મીટર પહોળી ડેક બનાવવામાં આવશે. ડેક પર બુકિંગ અૉફિસ બનશે. તમામ એફઓબીને જોડતી 22.5 મીટર પહોળી ડેક બનશે. શૌચાલય સંકુલ બનાવવામાં આવશે. મધ્યમાં આવેલા એફઓબીને વિસ્તારવામાં આવશે અને તેની પહોળાઈ છ મીટરની કરવામાં આવશે.
વર્તમાનના 4.5 મીટરના એફઓબીને બદલે છ મીટરની પહોળાઈવાળા એફઓબી બનાવવામાં આવશે. એફઓબીને જોડતા છ મીટર પહોળા લિંકવેનું નિર્માણ કરાશે. સાત મીટર પહોળો સ્કાયવૉક બનાવવામાં આવશે. ખાર સ્ટેશન માટેના આ પ્રોજેક્ટમાં ચાર એસ્કેલેટર્સ અને ત્રણ એલિવેટર બનાવાશે.
જૂન, 2024 સુધીમાં આ કાર્ય પૂરું કરવામાં આવશે અને ખર્ચ રૂપિયા 80 કરોડનો થશે. ખાર સ્ટેશનથી દરરોજ અંદાજે 1.6 લાખ પ્રવાસીઓ ટ્રેનોમાં ચડે છે. આ પ્રોજેક્ટ માટેની એજન્સી મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન છે.
મધ્ય રેલવેનાં જે સ્ટેશનની કાયાપલટ થવાની છે તેમાં જીટીબી નગર, ચેમ્બુર, ગોવંડી, માનખુર્દ, ભાંડુપ, ઘાટકોપર, મુલુંડ, ડોમ્બિવલી, નેરળ અને કસારાનો સમાવેશ થાય છે.
જ્યારે પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, ખાર રોડ, સાંતાક્રુઝ, કાંદિવલી, ભાઈંદર, વસઈ રોડ અને નાલાસોપારાનો સમાવેશ થાય છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust