સીટ બેલ્ટ નહીં બાંધનારા 43,689 વાહનચાલકો, પ્રવાસીઓને દંડ

મુંબઈ, તા. 24 : મુંબઈ ટ્રાફિક પોલીસે 1 નવેમ્બરથી સીટ બેલ્ટ નહીં બાંધનારા 43,689 વાહનચાલકો અને પ્રવાસીઓને દંડ ફટકાર્યો હતો.
ટ્રાફિક પોલીસે બહાર પાડેલા આંકડા મુજબ ડ્રાઇવરોને 22,970 ચલાન જ્યારે પ્રવાસીઓને 20,719 ચલાન આપવામાં આવ્યા હતા. આ લોકો સીટ બેલ્ટ વગર વાહનોમાં મુસાફરી કરતા પકડાયા હતા. આંકડા બતાવે છે કે, પૂર્વના પરાંઓમાં સૌથી વધુ 10,500 ચલાન ડ્રાઇવરોને અને પશ્ચિમના પરાંઓમાં 6153 પ્રવાસીઓને દંડના ચલાન આપવામાં આવ્યા હતા.
આ વર્ષે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતાં કે વાહનમાં પ્રવાસ કરતાં 56,048 ડ્રાઇવરો અને પ્રવાસીઓને રૂપિયા 1.78 લાખના દંડના ચલાન આપવામાં આવ્યા હતા.
14 અૉક્ટોબરના ટ્રાફિક પોલીસે વાહનની પાછળની બેઠક પર પ્રવાસ કરનારાઓ માટે પણ સીટ બેલ્ટ બાંધવાનું ફરજિયાત બનાવતો હુકમ બહાર પાડયો હતો. આ હુકમનો અમલ 1 નવેમ્બરથી કરવાનો હતો.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust