વીજ બિલ મોંઘું થશે : ગ્રાહકોને રૂા. 200નો વધારાનો બોજ પડશે

મુંબઈ, તા. 24 : જુદા જુદા કારણોને લીધે વીજ ખરીદીમાં મહાવિતરણને લગભગ રૂા. 40 હજાર કરોડની તાતી જરૂર હોવાથી રાજ્યમાં વીજદરમાં વધારો થવાનો છે. આ વધારો 60 પૈસા પ્રતિ યુનિટ થવાનો છે, જેને પગલે મહાવિતરણના ગ્રાહકનું મહિનાનું વીજ બિલ રૂા. 200થી વધી જશે. 
કોલસાની અછત સર્જાતા તેને આયાત કરવા પડે છે અને જેને પગલે વીજ નિર્માણમાંનો ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત બહારથી ખરીદવી પડતી વીજ, ક્રોસ સબસિડીમાં ઓછી રાહત જેવા કારણોને લીધે મહાવિતરણનો વીજ ખરીદી ખર્ચ ખૂબ જ વધી ગયો છે. 
રાજ્ય સરકારની મહાવિતરણ કંપની સૌથી વધુ વીજ ખરીદી મહાનિર્મિતી પાસેથી કરે છે. મહાનિર્મિતી સૌથી વધુ વીજનું નિર્માણ કોલસા અને ઔષ્ણિક ઊર્જાથી કરે છે. ગયા વર્ષે અૉકટોબરમાં તો આ વર્ષે એપ્રિલ - મે  મહિનામાં કોલસામાં ઘટાડો નોંધાયા બાદ ભાવ વધારો કરાયો હતો. ત્યારબાદ જુલાઇ-અૉગસ્ટમાં મહાનિર્મિતીએ ઊંચા ભાવે કોલસાની ખરીદી કરીને વીજ નિર્માણ કરવી પડી અને મોંઘા ભાવે મહાવિતરણે વીજ ખરીદવી પડી હતી. તેવી જ રીતે ખાનગી વીજ ઉત્પાદકોએ પણ ઊંચા ભાવે મહાવિતરણને વીજનું વેચાણ કર્યું હતું. મહાવિતરણે મહારાષ્ટ્ર વીજ નિયામક પંચને જણાવ્યું છે કે જે પણ ભાવવધારો થશે અને મોંઘવારી વધશે તે દરમિયાન તમામ વસૂલી ગ્રાહકો પાસેથી જ કરાશે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust