થાણેમાં 49 પ્રોજેક્ટ માટે રૂા. 900 કરોડ મંજૂર કરતા મુખ્ય પ્રધાન

થાણે, તા. 24 : થાણે શહેરના ત્રણ વહીવટીય વૉર્ડમાં અમલી બનાનારા રૂપિયા 900 કરોડના વિવિધ 49 પ્રોજેક્ટો માટેના નવા બજેટને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંજૂરી આપી હતી એમ વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે બુધવારે જણાવ્યું હતું.
થાણે વિસ્તારમાં વૈકલ્પિક જળ સ્રોતને મજબૂત કરવા શહેરી વિકાસ વિભાગના પાયાના માળખાગત નૂતનીકરણ માટેના ફંડનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત લતા મંગેશકર મ્યુઝિક એકેડેમી, એકવેરિયમ, સ્વિમિંગ પૂલ, બાગબગીચાઓના નૂતનીકરણ, ઉપવન તળાવ ખાતે સંગીતમય ફાઉન્ટેન, નવા રોડનાં બાંધકામ, કૉમ્યુનિટી સેન્ટરો વગેરે માટે ફંડ ફાળવવામાં આવશે.
સરનાઇકના મતદાર વિસ્તાર કે જેમાં મજીવાડા-માનપાડા, વર્તક નગર અને લોકમાન્ય નગરનો સમાવેશ થાય છે ત્યાં આ કાર્યો કરવામાં આવશે. સરનાઇકે જણાવ્યું હતું કે તેમણે આ કાર્યો જેમ બને તેમ જલદી શરૂ કરવા માટેની રૂપરેખા ઘડી કાઢવા મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગર સાથે વાત કરી હતી.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust